Saturday - May 24, 2025

જૂની ગટર ઉપર રેસિડેન્સી વધતા ગટરના ગંદા પાણીનો નિકાલ અટક્યો ટંકારાના સાવડી ગામે કેનાલના અભાવે મુરજાતી હરિભરી ખેતી

જૂની ગટર ઉપર રેસિડેન્સી વધતા ગટરના ગંદા પાણીનો નિકાલ અટક્યો

ટંકારાના સાવડી ગામે કેનાલના અભાવે મુરજાતી હરિભરી ખેતી

 મોરબી જિલ્લાના સાવડી ગામ 100 વર્ષ જૂનું હોય પણ હવે મૂળભૂત સુવિધાઓની બહુ ઓછી કમી છે. પણ ગામને સમૃદ્ધ કરી શકે તેવી મહત્વપૂર્ણ સિંચાઈની મોટી ખામી છે. કારણ કે અહીં કોઈ કેનાલની સુવિધા જ નથી. સાવડીથી કેનાલ જોજનો દૂર હોય વરસાદ આધારિત જ ખેતી છે. જો સારો વરસાદ પડે તો ભયોભયો નહિતર ઠન ઠન ગોપાલ.. એટલે ગામના ખેડૂતો એક જ પાક લઈ શકતા હોય એમાં ગામમાં હરિયાળી ખેતીની કલ્પના જ કરવી રહી

ટંકારાના સાવડી ગામના સરપંચ ટપુભાઈ માવજીભાઈ ઢેઢીએ જણાવ્યું હતું કે, ગામનો મુખ્ય વ્યવસાય ખેતી હોય અને સિંચાઇના અભાવે એક પાકની સિઝન પણ માંડ માંડ લઈ શકતા હોવા છતાં આ ગામનું શહેરીકરણ ન થયું અને આજની તારીખે ગામની વસ્તી 2 હજાર, મતદાન 1400નું છે. ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, 10 ધો. સુધીની સ્કૂલ, ગામની અંદર 100 ટકા પાકા રોડ, ભૂગર્ભ ગટર પણ 100 ટકા, સફાઈની ટ્રેકટર દ્વારા યોગ્ય વ્યવસ્થા, લાઈટ અને એકાતરા પાણી વિતરણ પણ ગામલોકો ધરાઈ જાય એવડું મોટું પાણીનું સુખ છે. સાવડીથી ઓટાળાનો 5 કિમિનો કાચો માર્ગ, સવાડીથી જોધપર ઝાલા સુધીના ડામર રોડ,સાવડીથી ખોડાપીપર કાચો માર્ગ, સાવડીથી નેસડા અને સાવડીથી વીરવાંવ પાકો રોડ છે. એટલે ઉપરના બે માર્ગ કાચા હોય, સાવડીથી  હાઇવેના રોડને પાકા બનાવવા માટે ભારે મથામણ ચાલી રહી છે. પણ હજુ કોન્ટ્રાક્ટરો દાદા દેતા નથી. જ્યારે ગામનો મોટો પ્રશ્ન ભૂગર્ભ ગટરના પાણીના નિષેધનો છે. કેમ કે છેલ્લા એકાદ બે દાયકાથી ગામની જૂની ગટર અને વોકળા ઉપર બાંધકામો ખડકાયા છે. એટલે રેસિડેન્સી વિસ્તારો બની જતા ગટર અને વોકળા દબાઈ ગયા છે. આથી ગટરના પાણીનો નિકાલ વર્ષોથી અટક્યો છે. ત્યાંજ ગટરના ગંદા પાણી સરોવરની જેમ ભરાઈ રહેતા મચ્છરોના ત્રાસથી રોગચાળાની ભીતિ રહે છે. જો કે આ પ્રશ્ને રજુઆત બાદ અધિકારીઓ નિરીક્ષણ કરી ગયા પણ એનો ઉકેલ ન આવતા હવે ગટર ઉભરવાના સ્થળે શૌષ ખાડાઓ બનાવી નાખીએ તો ગટરનું પાણી જમીનમાં ઉતરી જાય અને  ગંદકી જ ન હોય તો મચ્છર ક્યાંથી આવશે ? એવો સરપંચે તંત્ર સમક્ષ પ્રસ્તાવ મુક્યો છે.