Friday - Jan 24, 2025

પાલિકા તંત્રની સફાઈના નામે ડાંડાઈ, ગંદકીથી વેપારીઓ અને રહીશો પરેશાન મોરબીમાં ખુદ કલેક્ટરના બંગલાના રોડ ટપીને સામેના વિસ્તારનું આરોગ્ય રામભરોસે

પાલિકા તંત્રની સફાઈના નામે ડાંડાઈ, ગંદકીથી વેપારીઓ અને રહીશો પરેશાન

મોરબીમાં ખુદ કલેક્ટરના બંગલાના રોડ ટપીને સામેના વિસ્તારનું આરોગ્ય રામભરોસે

:મોરબી શહેરની પેરિસ તરીકેની ઓળખ મટીને હવે ગંદકી નગરી તરીકે ઓળખ મળે એમાં જરાય અતિશયોક્તિ નથી. કારણ કે, શહેરને અસ્વચ્છ રાખવામાં નઘરોળ તંત્રની લાપરવાહીનો સિંહફાળો છે.એક પણ એવો વિસ્તાર બચ્યો નહિ હોય કે જ્યાં ગંદકીના ગંજ ન હોય. આવી ભયાનક ગંદકીને કારણે મોરબીનો સ્વચ્છતા ક્રમાંક તળિયે પહોંચી જાય એ તંત્ર માટે શરમજનક સ્થિતિ છે. તેમાંય નગરપાલિકાએ તો હવે હદ કરી નાખી, કારણ કે જિલ્લાના રાજા ગણાતા જિલ્લા કલેક્ટરનું જ્યાં નિવાસસ્થાન હોય એની આજુબાજુમાં જ નહીં પણ ફરજના ભાગરૂપે બધે જ પાલિકા તંત્રએ સ્વચ્છતા રાખવી ખૂબ જ જરૂરી છે. મોરબીના કબ્રસ્તાન વાળા રસ્તાથી ઘણે આગળ કલેક્ટરના બંગલા સામે નાગર પ્લોટ તરીકે જાણીતા વિસ્તારમાં અસંખ્ય દુકાનો તેમજ એક મોટું રહેણાંક એપાર્ટમેન્ટ આવેલું હોય આ એપાર્ટમેન્ટની  સામે ફાજલ પડેલી જગ્યા એટલી  હદે ગંદી થઈ ગઈ છે કે, થોડી સેકન્ડો ઉભા રહો તો ગંદકીથી માથું ચકરાઈ જાય. સ્થાનિક વેપારીઓ અને રહીશોએ જણાવ્યું હતું કે, અહીં સફાઈના કોઈ ઠેકાણા જ નથી. આ જગ્યા તો ઠીક પણ એના  પછીને શહેર તરફ ગેસ્ટ હાઉસ રોડની નીકળતી આ વિસ્તારની ખુણાની ગલીમાં પણ અતિશય ગંદકીના ગંજ છે. ઉપરથી આ બન્ને જગ્યાએ જાહેર યુરિનલ જેવી કપરી સ્થિતિ છે. એટલે બેસુમાર ગંદકી ફેલાય છે અનેક રજુઆત કરવા છતાં તંત્ર જાણે  ક્યારેક કચરો ઉપાડે તો ક્યારેક અહીં ઢગલા કરીને ગંદકી ફેલાવે એવું પણ લાગે. પણ આવીને આવી ગંદકી રહેશે તો આ મસમોટું વાણિજ્ય કોમ્પલેક્ષ અને રહેણાંક વિસ્તારોનું આરોગ્ય ક્યારેય પણ ઠીક નહિ રહે.એટલે જવાબદાર તંત્રને એની જવાબદારીનું  ભાન કરાવવા ઉચ્ચ અધિકારીઓ કડક શિક્ષા પ્રદાન કરે તેવી માંગ ઉઠી છે