દિવ્ય ભાસ્કરે ખાસ તો ઉદ્યોગના હબ તરીકે જાણીતા મોરબી જિલ્લાના તમામ ગામડાઓની આઝાદીના આટલા વર્ષો પછી કેવી ક પરિસ્થિતિ છે ? શુ સુવિધાઓ ખપ પૂરતી છે.? જો સુવિધાઓની કમી હોય તો કોના પાપે ? કેટલી ખેતીઓએ ફળદ્રુપતા ગુમાવી અને ગામો ભાંગ્યા તેનું સચિત્ર સચોટ નિરૂપણ દર્શાવી સરકાર અને જે તે તંત્રને તેની જવાબદારીનું ભાન કરાવવા પ્રજાના હિતમાં વાત ગામ ગામ ની એવા નેજા હેઠળ જંગ છેડયો છે. ખાસ કરી હાલ ટંકારા પંથકના ગ્રામ્ય વિસ્તારોની સચોટ માહિતીઓ તટસ્થતા પૂર્વક રજૂ કરીને સરકારને ઢંઢોળી એ ગ્રામ્ય વિસ્તારોમાં ખૂટતી સુવિધા ઉપલબ્ધ કરાવે તેવો જાગૃત પ્રહરી દિવ્ય ભાસ્કરનો શુભ ઉદેશ્ય છે. આજે પણ ટંકારાના વધુ એક ગામની ઓચિંતી વિઝીટ લેતા ઘણી સુવિધાઓની કમીઓ નજર સામે આવી હતી.
ટંકારા તાલુકાના હરબટીયાળી ગામના સરપંચ સરોજબેન દેવરાજભાઈ સંઘાણીએ જણાવ્યું હતું કે, તેમનું ગામ 100 વર્ષ જૂનું હોય અને ગામની વસ્તી 3200ની અને એમાંથી 70 ટકા એજ્યુકેટેડ વર્ગ, ગામમાં 10 ધોરણ સુધીનું શિક્ષણ પણ મુખ્ય વ્યવસાય ગામનો ખેતી હોય પણ આ ખેતી હરિભરી અને અનેક ધાન્ય પાકોથી સદાય ખેતી લહેરાતી રહે તેમજ ખેડૂતો પણ આર્થિક રીતે સમૃદ્ધ હોય પણ આ બાબત કપોળ કલ્પિત છે. કારણ કે, સરકાર કે તંત્ર ખેડૂતો ઉપર કોઈ મોટો ઉપકાર કરતા હોય એમ ખેડૂતોને ડેમી-1 ડેમમાંથી 20 ટકા જ ખેતીને પાણી મળતા મોટાભાગના ખેતરોમાં પાકોથી હર્યાભર્યાને બદલે સૂકાભઠ બની જતા ખેડૂતો કંગાળ થઈ જાય છે. ઘણીવાર વરસાદ આધારિત તો ક્યારેય ડેમી -1 આધારિત ખેડૂતો માંડ માંડ એક કે બે પાક લઈ શકે છે. ત્રણ પાક તો ક્યારેય નસીબ જ થતો નથી. જો કે ક્યારેક મોરચા માંડે ત્યારે પાણી છોડે છે. નહિતર પાણી વિનાના રહીને નજર સામે મુરજાતી મૌલાતને નાશ પામતી જોવી પડે ત્યારે હૈયામાં આગ લાગે છે.
એકાતરા પાણીમાં ધાધીયા અને પૂરતા ફોર્સની કમી
ગ્રામજનોના કહેવા મુજબ ટંકારાથી આગળ આવેલ મિતાણા ગામના સંપમાંથી આ ગામમાં પાણી વિતરણ કરવામાં આવે છે. પણ એકાતરા પાણીમાં ધાધીયા એટલે ઘણીવાર વધુ દિવસો સુધી પાણી આવતું ન હોય ઉપરથી પૂરતા ફોર્સથી પાણી છોડાતું ન હોય એટલે તેમના ગામમાં છેવાળા સુધી પાણી પહોંચતું નથી. સરપંચના કહેવા મુજબ વચ્ચેથી લાઈનમાંથી પાણી ચોરી થતી હોય એ અંગે પાણી પુરવઠાનું ધ્યાન દોર્યું છતાં આ તંત્ર ધ્યાન ન આપતા લોકો વિના કારણે છતે પાણીએ તરસ્યા રહેવું પડે છે.
... આટલા રસ્તાઓ પાકા થઈ જાય તો ભયોભયો
સરપંચના જણાવ્યા મુજબ ગામની અંદર રસ્તાઓ સારા છે. એટલે ગામની અંદરની શેરીના રસ્તાઓ 100 ટકા કંપલેટ અને કચરા કલેક્શનની યોગ્ય વ્યવસ્થા હોય સફાઈ નો પણ કોઈ પ્રશ્ન નથી. પણ આ ગામને જોડતા અન્ય કાચા રસ્તાનું દુઃખ છે. જેમાં હરબટીયાળીથી ગણેશપરનો રોડ, વિરવાવથી હરબટીયાળી, હીરાપર-હરબટીયાળી, જબલપુર સહિતના રોડ ખરાબ હોય પાકા થઈ જાય તો આ બધા નજીક નજીકમાં આવેલા ગામો જરૂરી વસ્તુઓ તેમજ સુખદુઃખમાં એકમેકના ભાગીદાર બને એમ છે.