: ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ હવે લીલીછમ સમૃદ્ધિ ઘટી રહી હોવાથી ગામોમાં શુદ્ધ હવા પ્રદુષિત બને તેવા પણ વિકટ સંજોગો નિર્માણ થઈ રહ્યા છે. કારણ કે ટંકારાના ભૂતકોટડા ગામથી 42 વર્ષ પહેલાં અલગ પડીને નવા બનેલા હરિપર ગામ તરીકે ઓળખાતા આ ગામમાં હજુ પણ ઘણીખરી સુવિધાઓની ખોટ છે. જેમાં ટંકારાના મિતાણા ડેમમાંથી સિંચાઇની સુવિધા હોય પણ કુવા-બોરના તળ નીચા જવાથી ખેડૂતો બે જ પાક લઈ શકે છે. ક્યારેય પણ ત્રણે ત્રણ સીઝનનો પાક લઈ શકતા જ નથી. એટલે એનાથી નીચે ત્રણ સીઝનમાં ક્યારેક બે તો ક્યારેક એક અને અમુક વખતે તો એકેય વખત સિઝનનો લાભ ન મળતા ખેડૂતો ક્યારેય માલામાલ થતા જ નથી.
ટંકારાના હરિપર ગામના સરપંચ ચિરાગભાઈ ઉજડિયા જણાવ્યું હતું કે, આગાઉ ભૂતકોટડા ગામનો વિસ્તાર અને વ્યાપ વધતો જતો હોય સતાનું વિકેન્દ્રીકરણ અને સુવિધાઓ બધાને સપ્રમાણસર મળે એ માટે 42 વર્ષ પહેલાં આ હરિપર ગામ નોખું રચાતા ધીમેધીમે અમુક સુવિધાઓ આવતી ગઈ જેમાં ગામમાં એકાતરાં એટલે સવારથી સાંજ સુધી ધરાઈ જાવ એટલું પાણી આવતું હોય હાલ પાણીની કોઈ પીડા નથી. સારી સ્કૂલ, આંગણવાડી, પણ સિંચાઈમાં પાણીની કમી છે. જો કે મુખ્ય સુવિધા આરોગ્ય કેન્દ્ર હોય છે. પણ વર્ષોથી અહીં આરોગ્ય કેન્દ્ર ન હોવાથી દર્દીઓને ટંકારા કે અન્ય ગામમાં છેક 15 કિમિ દૂર જવું પડે છે અને જ્યારે ગામમાં ઇમરજન્સી કેસ આવે ત્યારે લોકો મોટી મુસીબતમાં મુકાય જાય છે. એટલે 1100ની વસ્તી ધરાવતા આ ગામની હાલત આરોગ્ય સુવિધાની કમીને લીધે નાજુક છે. જ્યારે ગામા અમુક જુના રસ્તાઓ તૂટી ગયા હોય એનું રિપેરીગ કામની તજવીજ હાથ ધરાઈ છે. 60 ટકાથી વધુ શેરીઓના રોડ સારા અને ટકાઉ છે.
કચરાની વ્યવસ્થા જ ન હોવાની મોટી ખામી
ગામમાં કચરાની હાલ કોઈ વ્યવસ્થા જ નથી. એથી જ્યાં ત્યાં કચરો ફેંકવામાં આવે છે. આથી ગંદકીના ગંજ જામે તો મચ્છરોથી રોગચાળો વકરે તો ગંભીર પરિસ્થિતિ સર્જાઈ એમ છે, કારણ કે ગામમાં દવાખાનું જ નથી. દવાખાનું ઘણું દૂર છે.