મોરબી : માળીયા મિયાણા તાલુકાના મોટા દહીંસરા ગામમાં ભાઈની પુત્રીએ કરેલા પ્રેમલગ્ન બાબતે ખાર રાખી પ્રેમલગ્ન કરનાર યુવકના સગાએ યુવતીના કાકા પર છરી વડે ભરભજારે જીવલેણ હુમલો કરતા ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
માળીયા મિયાણા તાલુકાના મોટા દહીંસરા ગામે રહેતા વિનોદભાઈ ઉર્ફે કાળુ રાણાભાઈ બરારીયાના ભાઈની દીકરીએ આરોપી કિશોરભાઈ દેવદાનભાઈ લોખીલના કુટુંબના છોકરા સાથે પ્રેમલગ્ન કર્યા હોવાથી આ બાબતનું મનદુઃખ રાખીને આરોપી કિશોર લોખીલે ગત તા. 26 માર્ચના રોજ રાત્રે બાઈક પર મોટા દહીંસરા ગામની બજારમાં બાપા સીતારામ પાનના ગલ્લે ધસી આવ્યો હતો. અને વિનોદભાઈને મારી નાખવાના ઇરાદે છરી વડે હુમલો કર્યો હતો. હુમલાની આ ઘટનામાં વિનોદભાઈને જમણા હાથે પાંસળીના ભાગે ફ્રેક્ચર તેમજ ફેફસાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. ઉપરાંત ખભા નીચે ફ્રેક્ચર અને ગાલે છરીના ઘા વાગતા ગંભીર હાલતમાં રાજકોટ સિનર્જી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.બનાવ અંગે માળીયા મિયાણા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.