Sunday - May 17, 2026

મોરબી મહાનગરપાલિકાની ચૂંટણીમાં સીમાંકન ભૂલભરેલું હોવાના આક્ષેપ

મોરબી મહાનગરપાલિકાની ચૂંટણીમાં સીમાંકન ભૂલભરેલું હોવાના આક્ષેપ

કોઈ ચોક્કસ પક્ષને ફાયદો કરાવવાનો હેતુ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસની ફરીથી નવું સીમાંકન કરવાની માંગ

મોરબી : મોરબી મહાનગરપાલિકાની આગામી ચૂંટણી પૂર્વે જાહેર કરવામાં આવેલી વોર્ડ રચના અને સીમાંકન સામે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિએ ગંભીર સવાલો ઉઠાવ્યા છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયા દ્વારા રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનરને પત્ર લખીને આ સીમાંકન પ્રક્રિયામાં વસ્તી અને ભૌગોલિક સ્થિતિની ભારે અસમાનતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

કોંગ્રેસ દ્વારા રજૂ કરવામાં આવેલી વિગતો મુજબ, મહાનગરપાલિકાની વોર્ડ રચનામાં એક્ટ 1949 મુજબ વસ્તીની સમાનતા જળવાઈ નથી. ઉદાહરણ આપતા જણાવાયું છે કે વોર્ડ નં. 11 માં વર્ષ 2011ની વસ્તી 20,256 દર્શાવવામાં આવી છે, જ્યારે ત્યાં મતદારોની સંખ્યા 24,471 જેટલી છે, જે તર્કસંગત લાગતી નથી. આ ઉપરાંત વોર્ડ નં. 12 અને 13 ના ભૌગોલિક નકશા જોતા પણ ભારે વિસંગતતા હોવાનું જણાવાયું છે.

કોંગ્રેસ દ્વારા આક્ષેપ કર્યો છે કે, મ્યુનિસિપાલ્ટી એક્ટ મુજબ હોવી જોઈએ તેના કરતા કોઈ એક પક્ષને ફાયદો કરાવવા અને મતદારોને અન્યાય કરવાના હેતુથી આ પ્રકારનું સીમાંકન કરવામાં આવ્યું હોય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. આવી ભૂલભરેલી વોર્ડ રચનાને કારણે મતદારોને પોતાના વિસ્તારના પ્રતિનિધિઓને ઓળખવામાં મુશ્કેલી પડશે અને સ્થાનિક કામગીરી પર પણ તેની માઠી અસર થશે.જિલ્લા કોંગ્રેસ દ્વારા માંગણી કરવામાં આવી છે કે, હાલનું ભૂલભરેલું સીમાંકન રદ કરી ફરીથી નવું સીમાંકન કરવામાં આવે અને ત્યારબાદ જ ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવે. આ રજૂઆતની નકલ મોરબી જિલ્લા કલેક્ટર અને મોરબી મહાનગરપાલિકા કમિશનરને પણ મોકલી આપવામાં આવી છે.