માળીયા તાલુકાના કુંભારીયા ગામે ઉત્તરાયણના દિવસે પતંગને બદલે ધોકાથી પેચ લડાયા હતા. જેમાં મ્યુઝિક સિસ્ટમનો અવાજ ધીમો કરવા મુદ્દે બે પાડોશી પરિવારો વચ્ચે એટલી જામી પડી કે, ધાબા પર પતંગ ચગાવવાનું એકબાજુએ મૂકી પાડોશી પરિવારો એકબીજા ઉલર ધોકા જેવા હથિયારોથી તૂટી પડયા હતા. આ બનાવમાં બન્ને પક્ષે ઈજાઓ પહોંચતા માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
માંળીયા તાલુકાના કુંભારીયા ગામે રહેતા રણછોડભાઈ ઉર્ફે પ્રદીપભાઈ લખમણભાઈ બાબરીયા ઉ.62 નામના વૃદ્ધે તેમના ગામમાં રહેતા વિપુલભાઈ ભરતભાઈ બાબરીયા, ભરતભાઈ નાનજીભાઈ બાબરીયા, જયંતીભાઈ નાનજીભાઈ બાબરીયા તથા સંજયભાઈ નાનજીભાઈ બાબરીયા સામે ફરિયાદ નોધાવી હતી કે, વિપુલભાઈ ભરતભાઈને સાઉન્ડ સિસ્ટમનો અવાજ ઘીમો કરવા બાબતે કહેતા સામાપક્ષના લોકોએ આ બાબતનો ખાર રાખી પિતા-પુત્ર રણછોડભાઈના ઘર પાસે ગાળો ભાંડી માથાકૂટ કરવા આવતા રણછોડભાઇએ અને તેના ઘરે આવેલ મહેમાને ગાળો બોલવાની ના પાડતા વિપુલભાઈએ ઉશ્કેરાઈ જઈ રણછોડભાઈને ત્યાં આવેલ મહેમાન સિંકદરભાઈને તથા રણછોડભાઈને લાકડાના ધોકાથી માર મારી જયંતીભાઈ બાબરીયા તથા સંજયભાઈ બાબરીયા લાકડાના ધોકા લઈ આવી રણછોડભાઈ તથા સિકંદરભાઈને આડેધડ માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી પિતા-પુત્રએ જતા જતા રણછોડભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.