મોરબીમાં વર્ષ 2017માં નામચીન શખ્સ મુસ્તાક મીર ઉપર સરાજાહેર ફાયરિંગ કરીને તેની હત્યા કરવાના બનાવએ મોરબીમાં ભારે હડકંપ મચાવ્યો હોય આ ચકચારી હત્યા કેસ મોરબીની સેશન્સ કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપી હિતુભા સહિત ચાર આરોપીઓને આ હાઈપ્રોફાઈલ હત્યા કેસમાં નિર્દોષ જાહેર કર્યા હતા. ખાસ તો ફરિયાદી પક્ષ આ હત્યા કેસમાં મુખ્ય આધાર પુરાવા રજૂ ન કરતા શંકાના આધારે સેશન્સ કોર્ટે ચારેય આરોપીઓને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો હતો.
મોરબીમા હિસ્ટ્રી સીટર મુસ્તાક મીર ગત તા. 4 7/2017ના રોજ શનાળા રોડ નવા બસ સ્ટેન્ડ સુપર માર્કેટ પાસેથી પસાર થઈ રહ્યો હોય ત્યારે હાઈ પ્રોફાઈલ વ્યક્તિ હિતુભા ઝાલા સહિત ચાર આરોપીઓએ ફાયરિંગ કરીને હત્યા કર્યાની ફરિયાદ નોંધાતા ભારે ચકચાર મચી ગઇ હતી. જેમાં મૃતકના ભાઈ આરીફ મીરે આરોપી હિતેન્દ્રસિંહ કરણસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ કરણસિંહ ઝાલા, મૂળરાજસિંહ અજીતસિંહ જાડેજા અને પલ્લવભાઈ હર્ષદભાઈ રાવલ વિરુદ્ધ તેના ભાઈ મુસ્તાક મીરની હત્યા કર્યાની ફરિયાદ નોંધાવી હતી. આ કેસ મોરબીની સેસન્સ કોર્ટમાં ચાલી જતા તમામ ચાર આરોપીઓને શંકનો લાભ આપી છોડી મુકવા આદેશ કરાયો હતો. જો કે, આ ચકચારી કેસ અંગે બચાવપક્ષના એડવોકેટ ભગિરથસિંહ ડોડીયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, સમગ્ર કેસમાં આઠ કલાક મોડી ફરિયાદ નોંધાઇ હોવા ઉપરાંત બેલેસ્ટિક એક્સપર્ટના રિપોર્ટ સહિતની બાબતે બચાવ પક્ષે કાયદાઓને ટાંકી ધારદાર દલીલો કરી કોર્ટના જજમેન્ટ જોડવામાં આવતા મોરબી પ્રિન્સિપાલ સેશન્સ જજ દ્વારા ચારેય આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મુકવા ચુકાદો આપ્યો હતો.