ત્રણ વર્ષના સંગઠનાત્મક કાર્યનો અહેવાલ રજૂ, આગામી આયોજન અંગે પણ કરાઈ ચર્ચા
મોરબી : ભારતીય મજદૂર સંઘ મોરબી જિલ્લાનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયુ હતું. જેમાં વિવિધ શ્રમિક સંગઠનોના પ્રતિનિધિઓ અને હોદ્દેદારોએ ઉપસ્થિત રહી સંગઠનની પ્રવૃત્તિઓ તેમજ આગામી કાર્યયોજનાને લઈને ચર્ચા-વિચારણા કરી હતી.
અધિવેશનમાં મેરી ટાઈમ બોર્ડ, પરિવહન વિભાગ, પીએમ પોષણ યોજના સહિત વિવિધ ક્ષેત્રના ભાઈઓ-બહેનોએ હાજરી આપી હતી. જિલ્લા પ્રભારી રાજેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં જિલ્લા મહામંત્રી પ્રણવભાઈ નલીનભાઈ ઠાકરે છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન જિલ્લામાં હાથ ધરાયેલી સંગઠનાત્મક પ્રવૃત્તિઓ, વિવિધ કાર્યક્રમો અને શ્રમિક હિતના પ્રયાસો અંગેનો વિગતવાર અહેવાલ રજૂ કર્યો હતો. સાથે જ આગામી સમયગાળા માટે આયોજિત કાર્યક્રમો અને સંગઠનના વિસ્તરણ અંગે પણ માહિતી આપવામાં આવી હતી.
અધિવેશનને સંબોધતા જિલ્લા પ્રભારી રાજેન્દ્રસિંહ ચુડાસમાએ સંગઠનને વધુ મજબૂત બનાવવા, શ્રમિક હિતના પ્રશ્નોને અસરકારક રીતે રજૂ કરવા અને આગામી સમયમાં વધુ સક્રિય કામગીરી કરવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ ડી. એન. ઝાલા સહિત જિલ્લાના વિવિધ હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.