Tuesday - Jul 21, 2026

મોરબીમાં શ્રાવણ પહેલાં જુગારની બદી પર પોલીસનો સપાટો, 11 મહિલા સહિત 21 ઝડપાયા

મોરબીમાં શ્રાવણ પહેલાં જુગારની બદી પર પોલીસનો સપાટો, 11 મહિલા સહિત 21 ઝડપાયા

સોસાયટીમાં મહિલા સંચાલિત જુગારધામ ઝડપાયું, જુના બસસ્ટેન્ડ અને ફૂલછાબ કોલોનીમાં જાહેરમાં રમાતો તીનપત્તીનો જુગાર પણ ઝડપાયો

મોરબી : શ્રાવણ માસના આગમન પહેલાં જ મોરબી શહેરમાં જુગારની પ્રવૃત્તિઓ શરૂ થઈ જતા આ જુગારની બદીને કડક હાથે ડામી દેવા પોલીસે સક્રિય કાર્યવાહી હાથ ધરી છે. શહેરના અલગ-અલગ ત્રણ સ્થળોએ પાડવામાં આવેલા દરોડામાં મહિલા સંચાલિત જુગારધામ સહિત જાહેરમાં રમાતા જુગારનો પર્દાફાશ થયો હતો. એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસે સંયુક્ત રીતે કરેલી કાર્યવાહીમાં ૧૧ મહિલા સહિત કુલ ૨૧ આરોપીઓને ઝડપી લઈ તેમની પાસેથી કુલ રૂ. ૪૮,૬૫૦નો મુદ્દામાલ કબજે કરી જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

પ્રથમ કાર્યવાહીમાં એ ડિવિઝન પોલીસે વાવડી રોડ પર આવેલી માણેક સોસાયટીમાં ગીરીઝાબેન મનસુખભાઈ પોપટના રહેણાંક મકાનમાં ચાલતા મહિલા સંચાલિત જુગારધામ પર દરોડો પાડ્યો હતો. અહીંથી ગીરીઝાબેન મનસુખભાઈ પોપટ, નીરૂબેન બાબુભાઈ નારણભાઈ મકવાણા, પાયલબેન ઉર્ફે સોનલબેન સુરેશભાઈ ગૌસ્વામી, લીલાબેન ઉર્ફે લતાબેન ગોવિંદભાઈ હરસધીયા, મનીષાબેન ઇન્દુલાલ કાનાણી, ભાવનાબા ભરતસિંહ જાડેજા, હેતલબેન ભુપેન્દ્રભાઈ સિદ્ધપુરા, જોશ્નાબેન દશરથભાઈ સાવરિયા, અંજુબા ભરતસિંહ ઝાલા, સંગીતાબેન રમેશભાઈ કાસુંદ્રા અને જયશ્રીબા યુવરાજસિંહ ઝાલા તીનપત્તીનો જુગાર રમતા ઝડપાયા હતા. પોલીસે તેમની પાસેથી રૂ. ૩૯,૧૦૦ રોકડા કબજે કર્યા હતા.

બીજી કાર્યવાહીમાં એ ડિવિઝન પોલીસે જુના બસસ્ટેન્ડ નજીક જાહેરમાં ચાલતા જુગાર પર દરોડો પાડી ઉસ્માનભાઈ બાદનમીયા કાદરી, કાસમભાઈ બશીરભાઈ ભટ્ટી, એજાજભાઈ સિદ્દીકભાઈ કાસમાણી, આસીફભાઈ યુસુફભાઈ કચ્છી, મુનાફભાઈ રહીમભાઈ જુનાણી, મોશીનભાઈ રહીમભાઈ દલ અને હૈદરભાઈ ઉર્ફે અકરમભાઈ હુસેનભાઈ ભટ્ટીને તીનપત્તી રમતા ઝડપી લીધા હતા. તેમની પાસેથી રૂ. ૪,૪૫૦ રોકડા કબજે કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત બી ડિવિઝન પોલીસે વિશીપરાની ફૂલછાબ કોલોનીમાં જાહેરમાં રમાતા જુગાર પર દરોડો પાડી સાહીલભાઈ કરીમભાઈ નાથાણી, ઇરફાનભાઈ રહીમભાઈ સુમરા અને હરેશભાઈ અમરશીભાઈ સુરેલાને ઝડપી લીધા હતા. પોલીસે તેમની પાસેથી રૂ. ૫,૧૦૦ રોકડા કબજે કરી જુગારધારા મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.