મોરબીના સુપર માર્કેટમાં ગઈકાલે વિદ્યાર્થીનીઓની પજવણી કરતા હોવાનો વીડિયો વાયરલ થયા બાદ ધારાસભ્ય સમસમી ઉઠ્યા હતા અને તેમની સૂચનાને પગલે પોલીસે સાત લુખ્ખાગીરી કરતા શખ્સોને ઉઠાવી લઈ સરભરા કરી હતી. બીજી તરફ આજે બનાવ સ્થળની ધારાસભ્યએ મુલાકાત લઈને લુખ્ખાગીરીથી ન ડરવાની હૈયાધારણા આપી હતી. તેમજ તેઓએ લુખ્ખાગીરીને ડામવા માટે કટિબદ્ધ હોવાનું જણાવી વેપારીઓને પણ સિક્યુરિટી રાખવાની સૂચના આપી હતી.
મોરબીના સુપર માર્કેટમાં જ્યાં ગઈકાલે વિધાર્થીઓની પજવણીની ઘટના બની હતી. તે બનાવ સ્થળની ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ મુલાકાત લઈને મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, નવા બસ સ્ટેન્ડ પાસે આવેલ સુપર માર્કેટ બિગ બજાર જેવું કોમલેક્સ હોય ત્યાં સ્કૂલે કે ટ્યુશન માટે આવતી જતી વિદ્યાર્થીનીઓની ગઈકાલે જે લુખ્ખા તત્વોએ પજવણી કરી હતી તેનાથી ખૂબ વય વ્યથિત થયો હતો અને ગઈકાલે જ ડીવાયએસપી ઝાલાને આ બનાવની યોગ્ય તપાસ કરવા અને લુખ્ખાઓને ઝડપીને કાયદાનું ભાન કરાવવાની સૂચના આપી હતી. જેથી પોલીસે સીસીટીવી ફૂટેજ અને વાયરલ થયેલા વીડિયોના આધારે ઓળખ મેળવી સાત શખ્સોને ઉઠાવી લઈ કડક શિક્ષા કરી હતી. આજે તેઓએ બનાવ સ્થળની મુલાકાત લેતા વેપારીઓએ તેમની સમક્ષ અહીંયા લુખ્ખાગીરી બહુ જ વકરી હોવાની વ્યથા ઠાલવી હતી. વેપારીઓએ લુખ્ખાઓ બેફામ બનીને બહેનો દીકરીઓની પજવણી કરતા હોવાની રજુઆત કરી હતી. આથી ધારાસભ્યએ લુખ્ખાગીરી ન ડરવાની હૈયાધારણા આપી લુખ્ખાઓ પજવણી કરે તો અડધી રાત્રે તેઓને ફોન કરવાની અને ફોન કરે બાદ તુરત કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. તેમજ આવડા મોટા કોમલેક્સમાં સિક્યુરિટી ન હોવા બાબતે ખેદ વ્યક્ત કરી વેપારીઓને સિક્યુરિટી ગાર્ડ મુકવાની સૂચના આપી હતી.