Wednesday - Jun 24, 2026

મોરબીમાં મચ્છુ માતાના પ્રાગટય દિન નિમિતે અષાઢી બીજે ભવ્ય સ્થયાત્રા નીકળશે

મોરબીમાં મચ્છુ માતાના પ્રાગટય દિન નિમિતે અષાઢી બીજે ભવ્ય સ્થયાત્રા નીકળશે

મોરબીમાં અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે સમગ્ર સૌરાષ્ટ્રની બીજી મોટી રથયાત્રા એટલે સમસ્ત ભરવાડ અને રબારી સમાજ દ્વારા મચ્છુ માતાજીની ભવ્ય રથયાત્રા કાઢવામાં આવશે.આ રથયાત્રાને લઈને ભરવાડ અને રબારી સમાજમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસની જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાશે.

મોરબી પંથકના સમસ્ત ભરવાડ રબારી સમાજ દ્વારા વર્ષોથી અષાઢી બીજ પર્વની મચ્છુ માતાજીના પ્રાગટય દિન તરીકે ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષની પરંપરા મુજબ મોરબીના રબારી અને ભરવાડ સમાજ દ્વારા આ વખતે પણ તા.7 જુલાઈના રોજ અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે મચ્છુ માતાની ભવ્ય રથયાત્રા કાઢવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મહેન્દ્રપરામાં આવેલ મચ્છુ માતાની જગ્યા ખાતેથી કાલે સવારે પરંપરાગત મચ્છુ માતાની રથયાત્રા નીકળશે. આ રથયાત્રામાં સંતો મહંતો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાઈને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરશે. રથયાત્રાના નિર્ધારિત રૂટ પર ઠંડાપીણાંનું આયોજન કરાશે.  રથયાત્રા મુખ્યમાર્ગો પર ફરીને દરબારગઢ ખાતે પહોંચીને પુર્ણાહુતી થશે જ્યાં મહાપ્રસાદ યોજાશે. રથયાત્રા પૂર્વે સલામતી માટે એસપી સહિતનો પોલીસ સ્ટાફ નિધારીત રૂટનું નિરીક્ષણ કરીને ચુસ્ત બંદોબસ્ત ગોઠવશે. અષાઢી બીજે મંદિરોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. અષાઢી બીજ શુકનવંતો પર્વ હોવાથી અનેકવિધ માંગલિક કાર્યોની શુભ શરૂઆત પણ કરાશે.