મોરબી : મોરબીમાં 181 અભયમ ટીમની સતર્કતાથી સગીરવયના પ્રેમ પ્રકરણનો કરુણ અંત આવતા માંડ બચ્યો હતો. એક તો ભણવાની ઉંમરમાં પ્રેમ પાંગર્યો અને પછી આ પ્રેમની સગીરાના પરિવારજનોને ખબર પડતાં બન્ને વચ્ચે સંઘર્ષ થયો હતો આથી સગીરાએ આપઘાતનો પ્રયાસ કરતા 181 અભયમ ટીમની સમયસર મદદ મળી જતા કાઉન્સેલિંગથી આખો મામલો શાંત પડ્યો હતો.
181 મહિલા હેલ્પલાઇન પર એક મહિલાએ તેમના પરિવારની કિશોરીને મદદની જરૂર હોવાની જાણ કરતા મહિલા હેલ્પલાઇનની ટીમે ત્યાં પહોંચીને તપાસ કરતા આખો મામલો નાની ઉંમરે આકર્ષણથી વિકસેલા પ્રેમ સબંધનો હોવાનું જણાય આવ્યું હતું.181 મહિલા હે્પલાઇન ટીમએ કિશોરીનું કાઉન્સિલિંગ કરતા કિશોરીએ કહ્યું હતું કે, તે અંદાજીત એક વર્ષથી સોશિયલ મીડિયા મારફતે એક છોકરા સંપર્કમાં આવેલ છે અને તેની સાથે પ્રેમ થયો હતો.આ પ્રેમની પહેલા તેના પરિવારને જાણ ન હતી પરંતુ થોડા દિવસો પહેલા જાણ થતા તે ગભરાઈ ગયેલ હતી અને આત્મહત્યા કરી લેવા માટેનો પ્રયત્ન કરેલ હતો ત્યારે તેને પગલું ભરતા તેની માતાએ અટકાવી હતી. વધુમાં કિશોરીએ કહ્યું હતું કે જે વ્યક્તિ સાથે તેને લગ્ન કરવા છે તે વ્યક્તિની ઉંમર હાલમાં 19 વર્ષની છે જેથી કિશોરીને 181 ની ટીમે પુખ્તવયે લગ્ન કરવા અને હાલ અભ્યાસમા ધ્યાન આપીને કારકિર્દી બનાવવામા ધ્યાન આપવા માટેની સમજ અભયમની ટીમ દ્વારા આપવામાં આવી હતી. ત્યારે કિશોરીએ 181 ની ટીમને તે હવે પછી ક્યારેય આત્મહત્યા કરવાનો પ્રયાસ નહીં કરે તથા અભ્યાસમા ધ્યાન આપશે તેવી ખાતરી આપી હતી.