Saturday - May 16, 2026

મોરબીમાં ભર ઉનાળે પાણીની ગંભીર કટોકટીથી પ્રજા તરસી

મોરબીમાં ભર ઉનાળે પાણીની ગંભીર કટોકટીથી પ્રજા તરસી

પંચાસર રોડ ઉપરના વિસ્તાર અને વિશિપરા અંદરના વિસ્તારમાં મહિલાઓને એક બેડા પાણી માટે કરવો પડતો સંઘર્ષ

મોરબી : મોરબીમાં હાલ ભર ઉનાળે પાણીની કારમી અછત સર્જાઈ છે. એનું કારણ એ છે કે, મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-2 ડેમના દરવાજા બદલવાની કામગીરીને પગલે અનિયમિત પાણી વિતરણ થતું હોવાથી ક્યાંક 15 દિવસે પણ પાણીના દર્શન ન થતા હોવાની અને ક્યાંય પાણી વિતરણના કોઈ નેઠા ન હોવાથી છતે પાણીએ લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે. હાલમાં મચ્છુ ડેમમાંથી ઓછું પાણી મળતું હોવાથી મહાનગર પાલિકાએ આડકતરો પાણી કપ મૂકી દેતા શહેરના વિસીપરા, પંચાસર રોડ, મદીના સોસાયટી સહિતના વિસ્તારમાં મહિલાઓને એક બેડા પાણી માટે કારમો સંઘર્ષ કરવો પડે છે. પાણીની ગંભીર કટોકટીના કારણે લોકો ભારે હાડમારી ભોગવી રહ્યા હોવાથી મચ્છુ -2 ડેમના દરવાજાનું વ્હેલીતકે રીપેરીંગ પૂર્ણ થાય તેવી માંગ કરી રહ્યા છે.

મોરબીના વીસીપરા અને પંચાસર રોડ ઉપરના વિસ્તારમાં હાલ પાણી સમસ્યા વિકટ બની છે.પાણી 10 કે 10 દિવસથી આવતું ન હોવાથી મહિલાઓને ભારે હાલાકી પડી રહી છે અને લોકો પાણીના એક એક બુંદ માટે તરસી રહ્યા છે. શહેરના વિસીપરા, પંચાસર રોડ, મદીના સોસાયટી સહિતના વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી પાણી અનિયમિતતાથી આવી રહ્યું હોવાની બુમરાણ ઉઠી છે.જેમાં મદીના સોસાયટીના મહિલાઓએ કહ્યું હતું કે, છેલ્લા 15 થી 20 દિવસથી પાણી આવતું નથી હાલની કાળઝાળ ગરમીમાં પાણી વગર કેમ ચલાવવું ? તેવા સવાલ ઉઠાવી મહિલાઓએ સવારથી જણાવ્યું હતું કે, એક બેડા પાણી માટે કુવામાંથી પાણી સિંચી રહ્યા છીએ અને ક્યાંય સાર્વજનિક બોરમાં પાણી મળે તો ત્યાં લાઈનો લગાવીએ છીએ.  છેલ્લા 15 દિવસથી પાણી ન આવતું હોવાથી કપડાં ધોવા માટે સગા સંબંધીના ઘેર જાવું પડે છે અને રોજ પીવાના અને વાપરવાના પાણી પાણી માટે કોઈના ઘેર બોર હોય તો ત્યાંથી પાણી મેળવી છીએ, હાલના સંજોગોમાં નાના-બાળકોવાળા મહિલાઓની સ્થિતિ ગંભીર બની હોવાનું પણ તેમને રોષભેર જણાવ્યું હતું.સાથેસાથે મહિલાઓએ તેમના વિસ્તારમાં પાણીનું નિયમિતપણે વિતરણ કરવાની માંગ કરી છે.