મોરબી : મોરબી મહાનગરપાલિકા સંકલન સમિતિની નવેમ્બર-2025 અને ડિસેમ્બર-2025ની સંયુક્ત બેઠક તા. 05ના રોજ બપોરે 03:00 કલાકે આયોજિત કરવામાં આવી છે. આ બેઠક મહાનગરપાલિકા કચેરી, સભા ખંડ, ત્રીજો માળ, ઇસ્ટ ઝોન, મહારાણી નંદકુવરબા આશ્રયગૃહ (રેલ્વે સ્ટેશન રોડ, મોરબી) ખાતે મળશે.
તમામ શાખા અધ્યક્ષોને જાતે અને સમગ્ર વિગત સાથે ઉપસ્થિત રહેવા આદેશ છે. અનિવાર્ય કારણોસર ગેરહાજર રહેવાના સંજોગોમાં મ્યુનિસિપલ કમિશનરની પૂર્વ અનુમતિ મેળવ્યા બાદ જ પ્રતિનિધિને મોકલી શકાશે. બેઠકમાં ઘણા બધા મહત્ત્વના એજન્ડાની સમીક્ષા કરવામાં આવશે. જેમાં કાર્યક્ષેત્રમાં સમાવિષ્ટ ગ્રામ પંચાયતોની 15મા નાણાં પંચની ગ્રાન્ટની રકમ જિલ્લા પંચાયત-મોરબી પાસેથી સંકલન કરીને કચેરી હસ્તક કરવા અંગે થયેલી કાર્યવાહીનો અહેવાલ રજૂ કરવામા આવશે. તેમજ ગ્રામ પંચાયતની સ્વ ભંડોળ બચતની રકમોમાંથી નક્કી કરેલ કામોની વિગતો અને તેનો વિગતવાર પ્રગતિ અહેવાલ રજૂ કરાશે.
આ ઉપરાંત જન ભાગીદારીના 14 બાકી કામોમાં પૂર્તતા માટે કરેલ કાર્યવાહીનો પ્રગતિ અહેવાલ રજૂ કરવાની સાથે ગ્રામ્ય વિસ્તાર (ક્લસ્ટર)માં બાકી વેરા વસૂલાતના દરો, તેમજ નવી આકારણી નોંધના કિસ્સામાં નવરચિત અન્ય મહાનગરપાલિકાઓમાં કરવામાં આવતી કાર્યવાહીની વિગતો રજૂ કરવાના રહેશે. તેમજ સંબંધિત શાખાઓને એજન્ડા સંબંધિત કાર્યવાહીનો અહેવાલ બેઠક અગાઉ મોકલવા અને જરૂરી કાગળો સાથે હાજર રહેવા સૂચના અપાઈ છે.