Wednesday - Oct 07, 2026

લગ્નજીવન બચાવવા માટે સમજાવવાનો પ્રયાસ કરનાર પત્નીના વાળ પકડી જમીન પર પછાડી પતિએ ધોકા ફટકાર્યા

લગ્નજીવન બચાવવા માટે સમજાવવાનો પ્રયાસ કરનાર પત્નીના વાળ પકડી જમીન પર પછાડી પતિએ ધોકા ફટકાર્યા

માળીયાના ખીરાઈ ગામે દીકરીના કપડાં અને સ્કૂલબેગ લેવા ગયેલી મહિલાને પતિ સહિત ત્રણનો ત્રાસ

મોરબી : માળીયાના ખીરાઈ ગામના પાટીયા પાસે આશિષ હોટલ પાછળ રહેતા પતિના ઘરે દીકરીના કપડાં અને સ્કૂલબેગ લેવા ગયેલી મહિલાએ લગ્નજીવન ન બગડે તે માટે પતિને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન પતિ ઉશ્કેરાઈ ગયો હતો અને મહિલાના વાળ પકડી જમીન પર પછાડી ઢીકાપાટુનો માર માર્યો હતો. બાદમાં લાકડાના ધોકા વડે પણ માર માર્યાનો આક્ષેપ છે. આ દરમિયાન અન્ય બે મહિલાઓએ પણ ગાળો આપી માર માર્યાની ફરિયાદ થતાં માળીયા તાલુકા પોલીસે પતિ સહિત ત્રણ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

માળીયા મીયાણામાં બાપુની ડેલીવાળી શેરીમાં હુસેનશાહ પીરની દરગાહ પાછળ રહેતા ઝરીનાબેન ઉમરભાઈ સામતાણી (ઉં.વ.30)એ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમની દીકરી અલફીઝાનાના કપડાં અને સ્કૂલબેગ લેવા માટે તેઓ ખીરાઈ ગામના પાટીયા પાસે આશિષ હોટલ પાછળ રહેતા પોતાના પતિના ઘરે ગયા હતા. તે સમયે પતિ ઉમરભાઈ હાજર હોવાથી ઝરીનાબેને લગ્નજીવન બગડે નહીં તે માટે તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ વાતથી પતિ ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો આપી ઝરીનાબેનના વાળ પકડી તેમને નીચે પાડી દીધા હતા. ત્યારબાદ ઢીકાપાટુનો માર મારવાની સાથે લાકડાના ધોકાથી શરીરે માર મારી ઇજા પહોંચાડ્યાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ દરમિયાન રસીલા નામની મહિલાએ પણ ઝરીનાબેનને ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હતો, જ્યારે ખેરૂનબેન હાજીભાઈ સામતાણીએ ગાળો આપી હોવાનો આક્ષેપ છે. આ બનાવ અંગે ઝરીનાબેન સામતાણીએ તેમના પતિ ઉમરભાઈ હાજીભાઈ સામતાણી, રસીલા અને ખેરૂનબેન હાજીભાઈ સામતાણી સામે માળીયા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી આરોપીઓને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે.