દિવાલ કૂદીને ઘૂસેલા તસ્કરોએ 1,500 કિલો એલ્યુમિનિયમ વાયર કાપી નુકસાન કર્યું
મોરબી : મોરબીના રફાળેશ્વર ગામ નજીક આવેલા જેટકોના સબ સ્ટેશનમાં રાત્રી દરમિયાન અજાણ્યો શખ્સ દિવાલ કૂદીને ઘૂસી આવ્યો હતો. સબ સ્ટેશનના કેમ્પસમાં પડેલા અંદાજે 1,500 કિલો એલ્યુમિનિયમ કેબલ વાયર ચીરી-કાપી નુકસાન કર્યા બાદ તેમાંથી રૂ.78,646ની કિંમતના કોપર કેબલ કાઢીને ચોરી કરી ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે અજાણ્યા તસ્કર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મૂળ કોડીનારના વતની અને હાલ મોરબીના ઊંચી માંડલ ગામે રહેતા તથા એશિયન ઇલેક્ટ્રિફિકેશન એન્જિનિયર્સ કંપનીમાં એરિયા સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા નીરવભાઈ ભાણજીભાઈ કામળિયા (ઉં.વ.28)એ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, રફાળેશ્વર ગામ નજીક જેટકોનું સબ સ્ટેશન આવેલું છે. રાત્રિના સમયે કોઈ અજાણ્યો શખ્સ સબ સ્ટેશનની દિવાલ કૂદીને કેમ્પસમાં પ્રવેશ્યો હતો. ત્યારબાદ કેમ્પસમાં રાખવામાં આવેલા આશરે 1,500 કિલો એલ્યુમિનિયમ વાયરનાં કેબલને ચીરી અને કાપી નુકસાન પહોંચાડ્યું હતું. આ દરમિયાન કેબલમાંથી અંદાજે રૂ.78,646ની કિંમતનો કોપર વાયર કાઢી શખ્સ ચોરી કરીને નાસી ગયો હતો. ઘટનાની જાણ થતાં નીરવભાઈ કામળિયાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે ચોરીનો ગુનો નોંધી અજાણ્યા આરોપીની શોધખોળ શરૂ કરી છે.