વિશ્વાસ મૂકીને વહીવટ સોંપ્યો પણ કર્મચારી વિશ્વાસઘાતી નીકળ્યો, રૂ.1.08 કરોડની રોકડ રકમની ઉચાપત કરી વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ
મોરબી : મોરબીના સરદાર રોડ પર આવેલી આંગડિયા પેઢીમાં કર્મચારી દ્વારા રૂ.1.08 કરોડની ઉચાપત કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ છે. ધરતી ટાવર સ્થિત બાલાજી ચેમ્બરમાં આવેલી પટેલ બાબુલાલ કાંતિલાલ એન્ડ કુ. નામની આંગડિયા પેઢીમાં વહીવટની જવાબદારી સંભાળતા કર્મચારીએ પેઢીમાં જમા થયેલી રોકડ રકમની ઉચાપત કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે પેઢીના સંચાલકે મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
અમદાવાદના સાયન્સ સિટી રોડ, સોલા ખાતે આવેલી વૃંદાવન વિલા-5માં રહેતા પ્રદીપભાઈ અરવિંદભાઈ પટેલ (ઉં.વ.47)એ ફરિયાદ નોંધાવી છે. કે, તેમની મોરબીના સરદાર રોડ પર ધરતી ટાવર સ્થિત બાલાજી ચેમ્બરમાં પટેલ બાબુલાલ કાંતિલાલ એન્ડ કુ. નામની આંગડિયા પેઢી આવેલી છે. ફરિયાદ મુજબ, પેઢીમાં નોકરી કરતા રોહિતભાઈ સુરેશભાઈ પટેલ (રહે. સુણસી, તા. વિસાવદર, હાલ રહે. ધરોઈ કોલોની, મહેસાણા ચોકડી, વિસનગર) પર વિશ્વાસ રાખીને તેમને પેઢીનો વહીવટ સોંપવામાં આવ્યો હતો. જોકે, કર્મચારીએ પેઢીના હિસાબમાં જમા થયેલી રોકડ રકમમાંથી રૂ.1.08 કરોડ જેટલી રકમની ઉચાપત કરી પેઢી સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરાયો છે. આ મામલે પ્રદીપભાઈ પટેલની ફરિયાદના આધારે મોરબી એ ડિવિઝન પોલીસે કર્મચારી સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીને ઝડપી લેવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે.