મનપાએ હવે નળ અને ભુર્ગભના ગેરકાયદે કનેક્શનને કાયદેસર કરવા તેમજ નવા કનેક્શન અને રોડના કટીંગ માટે પણ તગડા ચાર્જ જાહેર કર્યા
મોરબી : મોરબીમાં અગાઉ નગરપાલિકા વખતે મોટાભાગે રામરાજ્ય જેવી જ સ્થિતિ હતી. ખાસ કરીને શહેરમાં પાણી અને ભુર્ગભના ભૂતિયા એટલે સેંકડો ગેરકાયદે કનેક્શનો છે. એની સામે કોઈ કાર્યવાહી થતી જ ન હતી. એટલું નહિ નવો રોડ તોડીને પણ પાણી કે ભૂગર્ભના ગેરકાયદે કનેક્શનો મેળવી લેતા અચકાતા ન હતા. પણ હવે મનપા આવતા નગરપાલિકા વખતની લોલમલોલનો અંત આવી ગયો હોય એમ હવે મનપાએ શહેરી જોગવાઈ મુજબના તમામ નીતિ નિયમો અમલમાં મૂકી ખાસ કરીને ભૂતિયા ભૂગર્ભ અને જળ કનેક્શનો ધરાવતા અસામીઓ સામે લાલ આંખ કરી છે. જેમાં મનપાએ નળ અને ભુર્ગભના ગેરકાયદે કનેક્શનને કાયદેસર કરવા તેમજ નવા કનેક્શન અને રોડના કટીંગ માટે પણ તગડા ચાર્જ જાહેર કર્યા છે.
મોરબી શહેર અને અને આજુબાજુની 9 ગ્રામ પંચાયતો માટે મનપાએ પાણી અને ભૂગર્ભના કનેક્શન અંગે એક મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં 1993 પછી પ્રથમ વખત નવા નળ કનેક્શન, રોડ કટિંગ અને ડિપોઝિટના ચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે. મોરબી શહેરની પાણી વિતરણ વ્યવસ્થા સુદ્રઢ કરવા તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. ગેરકાયદે નળ કનેક્શનને કાયદેસર કરવા અને નવા કનેક્શન આપવા માટે નવી પદ્ધતિ અને ચાર્જ અમલમાં મૂકવામાં આવ્યા છે. નવ નળ કનેક્શન માટે ત્રણ પ્રકારના ચાર્જ લાગુ કરવામાં આવ્યા છે.જેમાં રસ્તા ખોદાણ ચાર્જ, કનેક્શન ચાર્જ અને ડિપોઝીટનો સમાવેશ કરાયો છે. ગેરકાયદેસર નળ કનેક્શન કાયદેસર કરવા માટેના ચાર્જ જાહેર કરાયો છે. ગેરકાયદે નળ કનેક્શન કાયદેસર કરવા રહેણાક માટે 10 હજારથી લઈને 70000 સુધીનો ચાર્જ અને બીન રહેણાકમાં 31500 થી લઈને 189000 સુધીનો ચાર્જ ચુકવવો પડશે. નહિતર કનેકશન કટ કરવામાં આવશે. મોરબી શહેરની વ્યવસ્થાને સુદ્રઢ કરવાના ભાગરૂપે હાલમાં બિનઅધિકૃત ડ્રેનેજ કનેક્શનનું સઘન ચેકિંગ ડ્રેનેજ શાખાના સ્ટાફ દ્વારા કરવામાં આવે છે અને બિનઅધિકૃત ડ્રેનેજ કનેક્શન જણાયે કનેક્શન કપાતની કાર્યવાહી કરવામાં આવે છે. એટલે હવે શહેરમાં જેટલા ભૂગર્ભ અને પાણીના ગેરકાયદે કનેક્શન ધરાવતા હોય તેવા તમામ લોકોએ તાકીદે મનપામાં કાયદેસર કરવા ચાર્જ ભરવો પડશે. નહિતર લોકોને આ સુવિધાઓમાંથી હાથ ધોવા પડશે તેવો મનપાએ સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે.