રાજકોટના અગ્નિકાંડે મોરબીના ઝૂલતાપુલના પીડિતોને ચોધાર આસુંએ રડાવી દીધા છે. ઝૂલતાપુલની કાળી રાત્રીની યાદ આવતા પીડિતોના હૃદય ના જખ્મો ફરી તાજા થયા હતા.રાજકોટમાં ભયાનક રીતે મૃતદેહો બળી ગયા હોય ઓળખ અને અગ્નિદાહ પણ થઈ શકે એમ ન હોય આવા ખોફનાક દ્રશ્યો ટીવી પર જોઈ મોરબીના પીડિતોના દર્દનાક ચિત્કારથી આખું ઘર રડી પડ્યું હતું
આરોપીઓ સજાને બદલે બચાવવાના પ્રયાસો થાય ત્યારે દુઃખ બેવડું થઈ જાય છે
મોરબીના ઝૂલતાપુલ દુર્ઘટનામાં એક વહાલસોયી દીકરી ગુમાવનાર પિતા નરેન્દ્ર પરમારે જણાવ્યું હતું કે, રાજકોટની અગ્નિકાંડ દુર્ઘટના જોઈને મારુ હૃદય દ્રવી ઉઠ્યું હતું. તેમના ઘરમાં બધાય રડી પડ્યા હતા. ટીવી પર જે દ્રશ્યો જોયા તે બહુ જ ભયાનક હોય આવા જ દ્રશ્યો અમે સૌએ ઝૂલતાપુલ દુર્ઘટનાની કાળી રાત્રીએ જોયા હોય એ ઘાવ તાજા થયા હતા. ઝૂલતાપુલ પછી રાજકોટની અગ્રણી સહિતની ઘણી બધી ઘટનાઓ બનતી રહે છે. આવી દુર્ઘટના પાછળ કોઈ ને કોઈની લાપરવાહી હોય જ છે. દુર્ઘટનાઓ અટકતી નથી.કારણ કે આરોપીઓને છાવરવાના પ્રયાસો થાય છે. આરોપીઓનો સગીન અપરાધ હોય છતાં જામીન મળી જાય અને તેને બચાવવાના પ્રયાસો થાય ત્યારે બહુ જ દુઃખ થાય છે. માટે કડક સજા થવી જ જોઈએ
ઝડપી ન્યાય મળે તો પીડિતોનો સરકાર પર ભરોસો રહેશે
મોરબી ઝૂલતાપુલ દુર્ઘટના ત્રણે ત્રણ પુત્રો ગુમાવનાર રાજુભાઈ મુછડિયાએ જણાવ્યું હતું કે, રાજકોટની દુર્ઘટના જોઈને હું અને મારી પત્ની આંસુઓનો સૈલાંબા રોકી શક્યા ન હતા. અમારા ત્રણ પુત્રી ડૂબીને મૃત્યુ પામ્યા જ્યારે આ ઘટનામાં સીધા જ અગ્નિદાહ દેવાય ગયો હોય એવી કરણ ઘટના હું જોઈ ન શકતા ટીવી બંધ કરીને અગાશી ઉપર ચાલ્યો ગયો હતો. પણ મનમાં ઝંઝાવત ચાલુ રહ્યો હતો. આવી બધી દુર્ઘટનામાં આઘાત તો જિંદગીભર રહેશે પણ ઝડપી ન્યાય મળે અને આરોપીઓને કડક સજા થાય તો જ પીડિતોના જખ્મો રૂઝાય એમ છે.
રૂપિયા નહિ પણ ગુમાવેલા સ્વજનો પરત જોઈ છે
મોરબીના વિજયાબેન ખીમજીભાઈ મકવાણાએ તો સરકાર અને તંત્ર તેમજ જવાબદારોને આડે હાથ લઈને આક્રોશ વ્યક્ત કર્યો હતો કે, તમારે પૈસા કમાવવા માટે આમારા છોકરાઓનું બલિદાન દેવું પડે અને અમે લાડ પ્રેમથી છોકરાઓને મોટા કરતા હોય એમાં તમારી બેદરકારીથી અમારા ઘરનો સત્યાનાશ નીકળી જાય છે. રાજકોટમાં જે ઘટના બની તેના ટીવી પર દ્રશ્યો જોઈને હું રડી પડી હતી. એના જેવી મોરબીના ઝૂલતાપુલની દુર્ઘટનામાં સંતાનોને ગુમાવ્યા હોય એના બદલામાં લાખો રૂપિયા આપો તો પણ ઓછા પડે છે. પૈસા આગળ માણસનું મૂલ્યાંકન જ ન હોય, માણસની જિંદગી અણમોલ હોય તમે એટલે સરકારે જેટલા રૂપિયા આપ્યા એના બદલે અમે ડબલ ગણા પૈસા આપવા તૈયાર છીએ. બસ અમને અમારા છોકરા પરત લાવી આપો.