વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામે યુવાનના પરિવારજનો ઉપર તૂટી પડી યુવતીના પરિવારજનોએ ખાર ઉતાર્યો હતો. જેમાં યુવતીના પરિવારજનોએ પ્રેમલગ્ન કરનાર યુવાનના ભાઈ અને ભાભીને રસ્તામાં આંતરી બેફામ માર માર્યો હોવાથી આ મુદ્દે ફરિયાદ નોંધાતા વાંકાનેર પોલીસે તપાસ હાથ ધરી છે.
વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામના વતની અને રાજકોટ કોઠારીયા રોડ ઉપરના રહેવાસી કેતનભાઈ દિલીપભાઈ કોબીયા નામનો યુવાનના નાના ભાઈએ આરોપી જેરામભાઈ મનજીભાઈ મકવાણાની પુત્રી સાથે પ્રેમલગ્ન કર્યા હોવાથી યુવતીના પરિવારજનોના મનમાં વેરભાવ અને બદલાની ભાવના રહી ગઈ હતી. આથી કેતનભાઈ દિલીપભાઈ કોબીયા પોતાના ગામે પત્ની સાથે રિલેટિવના લગ્ન પ્રસંગે હાજરી આપવા આવીને રાજકોટ પરત જઈ રહ્યો હોય ત્યારે તેના ભાઈએ પ્રેમલગ્ન કર્યા હોય એનો વેરભાવ મનમાં રાખી પ્રિ પ્લાન ગોઠવી કોઠારીયા ગામની શાળા પાસે એક રીક્ષા તથા બાઈક રોડ આડે મૂકી આરોપી સંજયભાઇ પ્રેમજીભાઇ મકવાણા, જેરામભાઇ મનજીભાઇ મકવાણા, જયસુખભાઇ રાજુભાઇ મકવાણા અને અમિત રાજુભાઇ મકવાણાએ કારને આંતરી યુવક અને તેની પત્નીને નીચે ઉતારી લાકડી વડે માર મારી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી દંપતીને ઇજા પહોંચાડી હતી. આ બનાવની ફરિયાદ નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.