Saturday - May 02, 2026

મોરબીના નવા નાગડાવાસ ગામે કેમિકલ વેસ્ટજ ભરેલ બોલેરો સાથે ચાલક ઝડપાયો

મોરબીના નવા નાગડાવાસ ગામે કેમિકલ વેસ્ટજ ભરેલ બોલેરો સાથે ચાલક ઝડપાયો

ગ્રામજનોએ જાણ કરતા જીપીસીબીની ટિમ ઘટનાસ્થળે દોડી જઈ કેમિકલના નમૂના લીધા

મોરબી : મોરબી આસપાસ ચારેય કોર સીરામીકના તેમજ અન્ય ઔદ્યોગિક એકમો હોય છાસવારે આ એકમો દ્વારા જન અને પશુ આરોગ્ય અને જમીન માટે ખતરનાક હોય એવા જોખમી કેમિકલનો અવારનવાર જાહેરમાં નિકાલ કરાતો હોવાની વચ્ચે મોરબીના નવા નાગડાવાસ ગામે આવું જ ઝેરી પ્રવાહી ઠાલવતા બોલરો ચાલકને ગ્રામજનોએ પકડી પાડી આ બનાવ અંગે જીપીસીબીને જાણ કરતા જીપીસીબીની ટીમે ઘટનાસ્થળે દોડી જઇ ગામમાં ઢોળેલા પ્રવાહીના નમૂના લઈ પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલ્યા છે.

મોરબીના નવા નાગડાવાસની સીમમાં ગામે આજે સવારે જી.જે ઝેડ 5088 નબરની બોલરો કારમાં ત્રણેક બેરેલો ભરેલા કેમિકલને બોલેરો ચાલક જોખમી રીતે રોડ ઉપર ઠાલવી રહ્યો હતો અને આ કેમિકલ પ્રવાહી ગામ પાસે જમીનમાં ઢોળી રહ્યો હોવાની બાતમી મળતા ગામના જાગૃત નાગરિક અમુભાઈ ડાંગર ઘટનાસ્થળે દોડી જઈને ઝેરી પ્રવાહી ઠાલવતા બોલેરો ચાલકને ત્રણ કેમિકલના બેરેલો સાથે ઝડપી પાડ્યો હતો. તેની પૂછપરછમાં કેમિકલ કોનું છે તેની માહિતી આપી ન હતી. પણ ભરતનગરથી બેલા ગામ વચ્ચે આવેલા ઔદ્યોગિક એકમોમાં બહાદૂરગઢ પાસેની એક
ફેકટરીનું આ કેમિકલ હોવાનું પ્રાથમિક તારણ નીકળ્યું છે. આ ઘટનાને પગલે ગ્રામજનો એકઠા થઇને જન આરોગ્ય માટે ખતરનાક કેમિકલ તેમના ગામે નાખ્યું હોવાની જીપીસીબીને જાણ કરી હતી. આથી જીપીસીબીના અધિકારી મહેન્દ્ર સોની અને તેમની ટીમે ઘટનાસ્થળે દોડી જઇને તપાસ હાથ ધરી હતી. જો કે આ  કેમિકલ કોનું અને ઝેરી પ્રવાહી છે કે કેમ તે સહિતની વિગતો જીપીસીબીની સંપૂર્ણ તપાસમાં જ બહાર આવશે.