મોરબીના વાંકડા ગામ આમ તો સમૃદ્ધ અને વિકસિત થયું છે. પણ જીવન જરૂરી અને મોટામાં મોટી આરોગ્ય સુવિધાની કમી છે. આ ગામમાં આટલા વર્ષે ય પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નથી. એટલે ગામલોકોને બીમાર પડવું પોસાય એમ જ નથી. આરોગ્ય સુવિધાની ખોટને લીધે બીમાર પડે તો લોકોને પાંચ કિમિ દૂર જવું પડે છે અને ઇમરજન્સી દર્દીનો કેસ આવે ત્યારે ગામલોકો મુશ્કેલીમાં મુકાય જાય છે.
મોરબીના વાંકડા ગામના સરપંચ ડાયાભાઈ અવચરભાઈ ઘોડાસરાએ જણાવ્યું હતું કે, આ ગામ ઘણા વર્ષો જૂનું હોય એટલે ક્યારે આ ગામ બન્યું તે નક્કી નથી. પણ હાલ ગામની વસ્તી 1300ની હોય આ વસ્તી હજુ પણ પરંપરાગત ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે. ખેતી માટે સિંચાઇની સુવિધાઓ હોય ખેતી બારેમાસ હરિભરી રહે છે. ધો.1થી 8ની પ્રાથમિક સ્કૂલ, રોડ રસ્તા, ગટર, લાઈટની સહકારી મંડળી, દૂધની ડેરી, સુવિધાઓ છે. પણ સ્વચ્છતા અભિયાન હેઠળ વાહન ન ફાળવાતા ગ્રામ પંચાયત દ્વારા કચરાનો નિકાલ કરવામાં આવે છે. વાંકડાથી શનાળા, રંગપર, ચરાડવાના કાચા માર્ગ હોય એને પાકા કરવા માટે ધારાસભ્યને રજુઆત કરાઈ છતાં કોઈ કાર્યવાહી થઈ નથી. આ ગામમાં પીવાનું પાણી જીકિયારી પડધરી ડેમમાંથી આવતું હોય એટલે ગામ પાણીની વાતે સુખી છે. જ્યારે આંગણવાડી સાવ જર્જરિત છે. એનો અહેવાલ તૈયાર કરીને અધિકારીઓ આવીને જતા રહ્યાનો એક વર્ષ ઉપરનો સમય વીતી જવા છતાં હજુ કાર્યવાહી ન થઈ હોય બાળકોની સલામતી માટે એક આશ્રમમાં ભાડે ઓરડામાં આંગણવાડી ચલાવવામાં આવે છે.