Tuesday - Oct 06, 2026

મોરબીમાં ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગના નાયબ નિયામક રૂ.25 હજારની લાંચ લેતા ઝડપાયા

મોરબીમાં ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગના નાયબ નિયામક રૂ.25 હજારની લાંચ લેતા ઝડપાયા

ફેક્ટરીના નકશા મંજૂર કરવા અને વિઝિટમાં હેરાન ન કરવા લાંચ માગ્યાનો આક્ષેપ, ડ્રાઇવર પણ ACBના છટકામાં ઝડપાયો

મોરબી : મોરબી તાલુકા સેવા સદનમાં આવેલી ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગની કચેરીમાં ACBએ છટકું ગોઠવી રૂ.25 હજારની લાંચ લેતા નાયબ નિયામક અને તેમના ડ્રાઇવરને ઝડપી લીધા હતા. ફેક્ટરીના નકશા મંજૂર કરવા તેમજ ફેક્ટરીમાં વિઝિટ દરમિયાન હેરાન ન કરવા બદલ લાંચની માગણી કરવામાં આવી હોવાની ફરિયાદના આધારે આ કાર્યવાહી કરાઈ હતી.

ACBના સૂત્રોના જણાવ્યા મુજબ, ફરિયાદી ફેક્ટરી એક્ટ એડવાઇઝર તથા કન્સલ્ટિંગનું કામ કરે છે. ફેક્ટરીના નકશા મંજૂર કરાવવા તેમજ ફેક્ટરીમાં વિઝિટ કરીને હેરાન ન કરવા બદલ મોરબી તાલુકા સેવા સદનમાં ફરજ બજાવતા ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગના નાયબ નિયામક તથા ડેપ્યુટી ચીફ ઇન્સ્પેક્ટર કમ ફેસિલિટેટર ફોર ફેક્ટરીઝ વર્ગ-1ના અધિકારી જતીનભાઈ સુરેશચંદ્ર આદેશરાએ રૂ.25 હજારની લાંચ માગી હોવાનો આક્ષેપ છે.

ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી ACBનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ACBની ટીમે મોરબીના લાલબાગ ખાતે આવેલા તાલુકા સેવા સદનમાં છટકું ગોઠવ્યું હતું. દરમિયાન રૂ.25 હજારની લાંચની રકમ સ્વીકારતા જતીનભાઈ સુરેશચંદ્ર આદેશરા (ઉં.વ.43, રહે. મંગલમ પ્લોટ, ભક્તિનગર સોસાયટી શેરી નં.1, શ્રીરામ નિવાસ સામે, રાજકોટ)ને ઝડપી લેવામાં આવ્યા હતા.

આ ટ્રેપ દરમિયાન તેમના ડ્રાઇવર અજયસિંહ નાથુભા ઝાલા (ઉં.વ.28, રહે. ભારતીય એપાર્ટમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર, ફ્લેટ નં.1, મારુતિનગર-2, એરપોર્ટ રોડ, રાજકોટ) પણ ઝડપાઈ ગયા હતા. આ  બંને સામે મોરબી જિલ્લા ACB પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમગ્ર ટ્રેપની કામગીરી મોરબી જિલ્લા ACB પોલીસ સ્ટેશનના PI પી.એ. દેકાવાડીયા તથા તેમની ટીમે કરી હતી.