મોરબી નજીક આવેલું અને આશરે 3 હજાર જેટલી મોટી વસ્તી ધરાવતું ધરમપુર ગામ હાલ આટલા વર્ષો પછી પણ અવિકસિત બનીને રહી ગયું છે. જો કે આ ગામમાં ખપ પૂરતી મૂળભૂત સુવિધાઓ છે. પણ જે મહત્વની સીસીરોડ અને ખાસ કરીને આંગણવાડી જેવી ઘણી બધી સુવિધાઓ હજુ પણ પ્રાપ્ત થઈ નથી. એની પાછળ નેતાઓની ચૂંટણી સમયે હથેળીમાં ચાંદ દેખાડવાના દિવાસ્વપ્ન સમાન ખોરા ટોપરા જેવી દાનત જવાબદાર છે. ચૂંટણી સમયે નેતાઓ વચનોની લ્હાણી કરીને ચૂંટણી જીત્યા બાદ ક્યારેય પણ ગામમાં ડોકાતા ન હોવાથી આ ગામનો હાલના સમય મુજબ વિકાસ થઈ શક્યો નથી તેવો ગ્રામજનોએ આક્રોશ ઠાલવ્યો છે.
મોરબી નજીક વેજીટેબલ રોડ ઉપર આવેલા ધરમપુર ગામના માજી સરપંચ ધરમશીભાઈએ કહ્યું હતું કે,
આશરે 3 હજારની વસ્તી ધરાવતું ધરમપુર ગામ અંદાજે 150 વર્ષ જૂનું હોય અને ત્રણ વર્ષ પહેલા ગ્રામ પંચાયત બરખાસ્ત થઈ જતા આ ગામ વહીવટીદારના હવાલે છે. જો કે ત્રણ વર્ષથી બોડી ન હોય એટલે અમુક કામો ન થતા હોય પણ વર્ષોથી બીજી મહત્વની સુવિધાઓની પણ આજના આધુનિક યુગમાં કમી હોવાની બાબત શરમજનક છે. ગામમાં અમુક રોડ પાકા થઈ ગયા છે. લાઈટ, પાણી શાળા, સફાઈ સહિતની સુવિધાઓ છે. પણ મહત્વની બાળકોનો સર્વાગી વિકાસ થાય એવી આંગણવાડી જ નથી. આંગણવાડી અને સારા રસ્તા સહિતની બાબતે અનેક વખત રજુઆતો અને ગ્રામ પંચાયતમાં ઠરાવો પણ થયા છે. પણ દુઃખ સાથે કહેવું પડે છે કે આમાંથી એકપણ સુવિધાઓ હજુ સુધી ગ્રામજનોને મળી નથી. તેમના ગામથી લાભનગર સુધીનો મેઈન રોડ સાવ તૂટી ગયો છે અને આંગણવાડી અત્યારે ગ્રામ પંચાયતમાં ચલાવી પડે તેવી નોબત આવી છે. સૌથી વખત ગંભીર કે ખતરનાક બાબત એ છે કે, મોરબીથી ધરમપુર નજીક હોય એટલે ગ્રામજનો દરરોજ કોઈને કોઈ કામો કે મોરબીની બજારોમાં ખીરીદી અર્થે તેમજ ગામના ઘણા બધા લોકો વર્ષોથી મોરબીના સીરામીક સાથે જોડાયેલા હોય દદરોજ મોટી સંખ્યામાં ગ્રામજનો મીરબીમાં જાય છે. પણ આ ગામથી મોરબી શહેરને જોડતું પુલીયું અતિશય ખરાબ રીતે ડેમેજ થઈ ગયું છે. આ પુલીયુ એટલી હદે જર્જરિત થઈ ગયું છે કે ગમે ત્યારે તે તૂટી પડે તેવી ગંભીર પરિસ્થિતિ છે. આમ છતાં આ પુલિયા પર અવરજવર ચાલુ રહેતી હોવાથી મોટી દુર્ઘટના સર્જાય તેવા એંધાણ વર્તાય રહ્યા છે. એટલે મોતનો ભય છતાં ગામલોકો આ જોખમી સવારી કરવા મજબૂર છે. આમ છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી.