Saturday - May 16, 2026

મોરબીના કડીયા કામ કરતા પિતાની પુત્રીએ મક્કમ મનોબળથી સેનામાં જોડાઈને દિલ્હી સંસદ ભવનમાં પોસ્ટિંગ મેળવ્યું

મોરબીના કડીયા કામ કરતા પિતાની પુત્રીએ મક્કમ મનોબળથી સેનામાં જોડાઈને દિલ્હી સંસદ ભવનમાં પોસ્ટિંગ મેળવ્યું

દિલમાં દેશ માટે મરી મોટવાની પ્રબળ ભાવનાએ જ સીઆઈએસએફ એટલે પેરા મિલિટરી ફોર્સમાં જોડાવવાની મંઝિલે પહોંચાડી

(રવિ બરાસરા- મોરબી) : માત્ર મોરબીને જ નહીં સમગ્ર નારીજાતિ પ્રત્યે સમાજને માન, સન્માન અને વંદન કરવું પડે તેવી પ્રેરણાદાયી બાબત સામે આવી છે. જેમાં કડીયા કામ કરતા એક પિતાની ધો.10 સુધી જ ભણેલી પુત્રીએ કપરો સંઘર્ષ કરી મક્કમ મનોબળથી દેશની આંતરિક સુરક્ષા માટે પેરા મિલિટરી ફોર્સ એટલે સીઆઈએસએફ જોડાઈને દેશના અન્ય કોઈ સ્થળે નહિ પણ દેશના ગરીમાસભર સર્વોચ્ચ સ્થાન ગણાતા દિલ્હી સંસદ ભવન ખાતે ફર્સ્ટ પોસ્ટિંગ મેળવી સમગ્ર ગુજરાતની શાન વધારી છે. મોરબીના બાયપાસ રોડ ઉપર ભક્તિનગર સર્કલ પાસે શનાળા ગામ નજીક આવેલ ગોકુલનગર વિસ્તારમાં રહેતા મનજીભાઈ પોપટભાઈ કંઝારીયા કડીયા કામ કરીને પોતાનું તેમજ સંતાનમાં ફક્ત પાંચ દીકરીઓનું ભરણપોષણ કરી લાલન પાલનથી ઉછેરી પોતાની આર્થિક ક્ષમતા મુજબ શિક્ષણ અપાવીને એમાંથી બે દીકરીઓ પરણાવીને સુખીથી ઘર સંસાર વસાવી દીધો છે. જ્યારે એમની ત્રીજી દીકરી પીન્ટુબેન કંઝારીયા ભણવામાં હોશિયાર હતી પણ પિતા કડીયા કામની મજૂરી કરતા હોય અને અન્ય બે નાની બહેનો ભણતી હોય પણ પરિવારની આર્થિક સ્થિતિ સાવ સામાન્ય હોવાથી ધો.10 પછી 2017માં અભ્યાસ પડતો મુકવો પડ્યો હતો અને પિતાની મદદરૂપ થવા કમાવું પડે એમ હોવાથી પીન્ટુબેને એક ખાનગી ડેન્ટલ હોસ્પિટલમાં આઠ વર્ષ સુધી જોબ કરી હતી. પણ તેઓ સ્કૂલમાં હતા ત્યારથી તેમના મનમાં દેશદાઝની લાગણી હોય સેના જોડાવવાનો જ એકમાત્ર ધ્યેય હતો. આથી ખાનગી જોબ કરતા કરતાની સાથે સેનામાં જોડાવવા માટે સતત તૈયારી કરતા રહ્યા, જો કે સીઆઈએસએફમાં જોડાવવા માટે ધો.10ની લાયકાત હોવાથી ઓનલાઈન ફોર્મ સહિત પ્રક્રિયા અને પીપરેશન અને ટેસ્ટ આપ્યા બાદ ટ્રેનિંગ માટે સિલેક્ટ થયા અને તામિલનાડુના આરટી સી ઠકોલમના પેરા મિલિટરી ફોર્સમાં તેઓએ 11 માસની કઠોર તાલીમ મેળવીને આખરે પેરા મેલેટરી ફોર્સમાં સિલેક્ટ થઈને હવે તેઓએ પ્રથમ દિલ્હી સંસદ ભવન ખાતે પોસ્ટિંગ મેળવ્યું છે.

મોરબીના કડીયા કામ કરતા પિતાની પુત્રીએ મક્કમ મનોબળથી સેનામાં જોડાઈને દિલ્હી સંસદ ભવનમાં પોસ્ટિંગ મેળવ્યું

ટ્રેનિંગ પુરી થયા બાદ ઘરે પરત આવતા શાનદાર સ્વાગત કરાયું

24 વર્ષીય પીન્ટુબેન કંઝારીયા ભારતીય સેનામાં સીઆઈએસએફમાં જોડાઈને કમાન્ડો સુધીની તાલીમ લીધા બાદ તેમનું સૌપ્રથમ પોસ્ટિંગ દિલ્હી સંસદ ભવન ખાતે થયું છે. ત્યારે તેઓ પ્રથમ વખત પોતાના ઘરે વતનમાં આવી રહ્યા હોય મોરબીના ભક્તિનગર સર્કલ પાસેથી પીન્ટુબેન કંઝારીયાના ઘર સુધી પરિવાર, અગ્રણીઓ તેમજ સ્થાનિક લોકો દ્વારા ખુલ્લી ગાંડીમાં બેસાડી ધમાકેદાર સ્વાગત કરાયું હતું.આ યુવતીએ માતા પિતાને ચરણ સ્પર્શ કરતા ભારે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.

મોરબીના કડીયા કામ કરતા પિતાની પુત્રીએ મક્કમ મનોબળથી સેનામાં જોડાઈને દિલ્હી સંસદ ભવનમાં પોસ્ટિંગ મેળવ્યું

પિતાએ સેવેલું સ્વપ્ન પુત્રીએ સાકાર કર્યું

પીન્ટુબેન કંઝારીયાના પિતાને લશ્કરી દળમાં જોડાઈને દેશસેવા કરવાની પ્રબળ ઈચ્છા હતી. પણ પરિવારની પરિસ્થિતિને કારણે પિતાનું દેશની સેવા કરવાનું સ્વપ્ન અધૂરું રહી ગયું હતું. જેની પુત્રીને ખબર પડતાં જ્યાં સુધી સેનામાં નહિ જોડાય ત્યાં સુધી સતત કઠોર પરિશ્રમ કરવાનું નક્કી કર્યું હતું અને 2017થી ખાનગી જોબ શરૂ કરતાં કરતાં વચ્ચે વચ્ચે કઠોર પરિશ્રમ ઉપરાંત 2023થી લગાતાર મહેનત કરતા એમને દેશની સેવા કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થતા બન્ને પિતા પુત્રીની ખુશીની કોઈ સીમા રહી ન હતી.
 

મોરબીના કડીયા કામ કરતા પિતાની પુત્રીએ મક્કમ મનોબળથી સેનામાં જોડાઈને દિલ્હી સંસદ ભવનમાં પોસ્ટિંગ મેળવ્યું

કમાન્ડોની ટ્રેનિંગમાં બે દિવસ પીઠ પર સામાન અને ખાધા તેમજ સુતા વગર જંગલમાં ફરવાનું

પીન્ટુબેન કંઝારીયા કહે છે કે, સીઆઈએસએફની ટ્રેનિગ ખૂબ.જ હાર્ડ હોય છે. આમ તો 10 મહીનામી ટ્રેનિંગ હોય છે. એ પણ લોઢાના ચણા ચાવવા જેવી કપરી હોય છે. આ 10 માસ પછી એક માસની કમાન્ડોની ટ્રેનિંગ તો રીતસર અગ્નિ પરીક્ષા જેવી ગણી શકાય. આ પેરા મિલિટરી ફોર્સને દેશની આંતરિક સુરક્ષા માટે અને જરૂર પડ્યે પરિસ્થિતિ કાબુ બહાર જાય ત્યારે બોર્ડર ઉપર મુકાતા હોવાથી મા ભોમની રક્ષા માટે દેશના દુષમનોનો ખાત્મો બોલાવી દેવાનો હોય એ પણ જાનની બાજી લગાવીને. એટલે તાલીમ આકરી આપવી જરૂરી હોવાથી ધીરેધીરે સ્ટેમીના વધાર્યા, જેમ કે, શરૂ શરૂમાં રોજ સવારે 6 વાગ્યે ઉઠાડીને ચાલવાની પ્રેક્ટિસ, મહિના પછી સવારે 5 વાગ્યે અને બાદમાં રાત્રીના અઢી વાગ્યે ઉઠીને હથિયારો સાથે પરેડની પ્રેક્ટિસ, નિયમિત 15 કિમિ દોડવાનું, થોડી બ્રેક બાદ ત્રણ કલાક ભણવાનું, એમાં બધાને અલગ અલગ હોય એરપોર્ટ કે ગર્વમેન્ટના કોઈપણ સ્થળે હથિયાર સાથે કેવી ફરજ બજાવવી આ રીતે દસ મહિનાની આકરી ટ્રેનિંગ લીધા બાદ એક મહિનો કમાન્ડોની તાલીમમાં બબ્બે દિવસ પીઠ પાછળ સામાન સાથે પાણી ન હોય પણ ભૂખ્યા તરસ્યા જંગલમાં ફરવાનું અને બે દિવસ સુધી સુવાનું નહિ. જરૂર પડ્યે બોર્ડર ઉપર જવાનું થાય તો દુશ્મનો સામે બૉમ્બ, રાયફલ જેવા તમાંમ હથિયારોથી કેવી રીતે એટેક કરવો તેની અગ્નિ પરીક્ષા જેવી તાલીમ મેળવી હતી. જો કે ઘણા યુવાનો આવી કઠિન તાલીમ સહન ન કરી શકતા અધવચ્ચે અઢી લાખનો દંડ ભરીને છોડી ગયા હતા. પણ મેં તો ટ્રેનિંગ લેતા પહેલા જ ગમે તેવી પરિસ્થિતિ સામે બાથ ભીડવા માનસિક તૈયારી કરી લીધી હતી. આથી કમાન્ડો જેવી આકરી તાલીમમાં પીછેહઠ કરવાનો સ્વપ્નેય ખ્યાલ આવ્યો નથી. કારણ કે મારા દિલમાં બીજું બશું પછી આવે પહેલા વતન પ્રેમ આવે છે.

મોરબીના કડીયા કામ કરતા પિતાની પુત્રીએ મક્કમ મનોબળથી સેનામાં જોડાઈને દિલ્હી સંસદ ભવનમાં પોસ્ટિંગ મેળવ્યું

પેરા મિલિટરી ફોર્સમાં જોડાનાર મોરબીની આ પ્રથમ યુવતી

એક ફોજી માટે દેશથી વિશેષ કઈ હોતું જ નથી

મોરબીમાં પેરા મિલિટરી ફોર્સમાં જોડાનાર આ યુવતી પ્રથમ છે. યુવતી અંતમાં કહે છે કે, આપણને જન્મ આપનાર અને પોતાના જીવથી વધુ રીતે જતન કરનાર માબાપનું કોઈ ઋણ ચૂકવી નહિ શકે. પણ એક ફોજી માટે દેશથી વિશેષ કઈ હોતું જ નથી. એટલે મારામાં નાનપણથી જ દેશ માટે મરી મીટવાની તમન્ના હતી. આવી મારા દિલમાં રહેલી દેશ દાઝે જ મને સેનામાં જોડાવવાની મંઝિલે પહોંચાડી છે. જો ટ્રેનિંગ આટલી કઠોર હોય તો ફરજમાં મરો યા મારોનું પ્રેક્ટિકલ જ્ઞાન આપ્યું છે. આથી વતન માટે ફના પણ થઈ જવું પડે તો મારી જાતને ભાગ્યશાળી માનીશ.

મોરબીના કડીયા કામ કરતા પિતાની પુત્રીએ મક્કમ મનોબળથી સેનામાં જોડાઈને દિલ્હી સંસદ ભવનમાં પોસ્ટિંગ મેળવ્યું
મોરબીના કડીયા કામ કરતા પિતાની પુત્રીએ મક્કમ મનોબળથી સેનામાં જોડાઈને દિલ્હી સંસદ ભવનમાં પોસ્ટિંગ મેળવ્યું
મોરબીના કડીયા કામ કરતા પિતાની પુત્રીએ મક્કમ મનોબળથી સેનામાં જોડાઈને દિલ્હી સંસદ ભવનમાં પોસ્ટિંગ મેળવ્યું