મોરબીની એક સામાન્ય પરિવારની દીકરી ધો.12 કોમર્સમાં શ્રેષ્ઠ પરિણામ લાવી છે. જો કે તેના ઘરની આર્થિક સ્થિતિ સાવ સામાન્ય છે. એથી પણ વિશેષ કપરી પરિસ્થિતિ એ છે કે તેની માતા સતત બીમાર રહે છે. ઉપરથી નાના ઘરમાં સયુંકત પરિવાર રહે છે. એટલે અભ્યાસ માટે ઘરમાં અલગ રમ નથી. પિતા મજૂરી કામ કરતા હોય અને બધો ખર્ચ માતાની બીમારી પાછળ જતો હોય ખાનગી સ્કૂલમાં કે ટ્યુશન રાખી શકે એમ નથી. એટલે સરકારી સ્કૂલમાં જ ભણવાનું. માતાની સેવા કરવાની સાથે ઘરનું કામ બધું જાતે જ કરવાનું, આ બધામાંથી ફુરસદ નલે ત્યારે અભ્યાસ કરવાનો, આટલા બધા અભાવો વચ્ચે તેણે ધો. 12 સામાન્ય પ્રવાહમાં એવન ગ્રેડ મેળવ્યો છે. એ એના પરિવાર માટે જ નહીં આર્થિક રીતે નબળા મનાતા વિદ્યાર્થીઓ માટે ગૌરવરૂપ બાબત છે.
મોરબીના ઘુંટુ ગામે રહેતી અપેક્ષાબેન જીતેન્દ્રભાઈ ચૌહાણએ ધો. 12 કોમર્સમાં 92 ટકા, 99.86 પીઆર સાથે એવન ગ્રેડ મેળવ્યો છે. આ દીકરીને 700 માંથી 644 ગુણ મેળવ્યા એ બહુ મોટી વાત છે કારણ કે આટલું સારું પરિણામ કઠોર મહેનતથી જ લાવી શકાય પણ અહીંયા વાત જુદી છે. અપેક્ષાએ કઠોર પરિશ્રમ તો કર્યો હતો પણ ઘરની ઘણી બધી નાજુક પરિસ્થિતિ વચ્ચે તેણીએ ખૂબ મહેનત કરવી પડી. તેણીના માટે ઘરની કપરી સ્થિતિ વચ્ચે આટલું શ્રેષ્ઠ પરિણામ લાવવું અઘરું જ નહીં પણ બહુ કપરું હતું. કેમ કે, તેણીના પિતા સીરામીક કારખાનામાં મજૂરી કામ કરે એટલે રૂ. 12, 15 હજારની આવકને કારણે પરિવારની આર્થિક સ્થિતિ સાવ કંગાળ ઉપરથી માતાને અસહ્ય બીમારીમાં લાગુ પડી, માતા ઉપર અનેક જટિલ ઓપરેશન થયા,આથી સાધારણ આવક ધરાવતો પરિવારની આર્થિક સ્થિતિ ડામાંડોળ થઈ ગઈ તેથી ખાનગી સ્કૂલમાં ભણવું અને ટ્યુશન રાખવું એની કલ્પના પણ કરી શકાય એમ ન હતી. જેથી અપેક્ષાને સરકારી સ્કૂલમાં ભણવું પડ્યું. મોરબી સ.વ.પ.કન્યા છાત્રાલયમાં ભણતી અપેક્ષાને ઘરથી શાળા ઘણી જ દૂર પડતી અને દરરોજ અપડાઉન કરવું પડે અને બીમાર માતાની સતત સેવા કરવાની ફરજ પણ પૂરેપૂરી નિભાવતી હતી. ઘર નાનું ઉપરથી સયુંકત પરિવાર એટલે વાંચવા માટે અલગ જગ્યા ન મળે, સાથે-સાથે માતા બીમાર એટલે બધું ઘરનું કામ જાતે જ કરવું પડે, દિવસની આટલી બધી જંજાળ માથે હોય એમાં અભ્યાસનો ટાઈમ ક્યાંથી કાઢવો ? પણ આ દીકરીને ભણવાની ઘણી જ હોશ હતી એટલે રાત્રે અભ્યાસ માટે પુષ્કળ સમય કાઢી રાતભર અભ્યાસ કરીને એને પોતાનું સ્વપ્ન સાકાર કર્યું છે.