સીરામીક નગરી તરીકે દેશ અને દુનિયામાં જાણીતું મોરબી શહેર મેટ્રો શહેર બનવા તરફ ગતિ કરી રહ્યું હોય ત્યારે લોકો માટે પ્રાથમિક જરૂરિયાત સમાન એવા સારા અને સુઘડ શોચાલય ન હોવા એ તંત્ર માટે ઘણી શરમજનક બાબત છે. શહેરના આઠ જેટલા શોચાલયની દિવ્ય ભાસ્કરની ટીમે રિયાલિટી ચેક કરતા એકપણ શોચાલયની દશા સારી ન હોવાની અને નર્કથી બદતર સ્થિતિ હોવાની વરવી વાસ્તવિકતા સામે આવી છે. શોચાલયો ગંદકીથી એટલા બધા ખદબદી રહ્યા છે કે મગજ ભમી જાય તે હદે ગંદકીએ વર્ચસ્વ જમાવ્યું છે અને એકપણ શોચાલય ઉપયોગ કરવાનો લાયક રહ્યા નથી.
સરકારની મુહિમ છે કે, જહાં સોચ્ વહા શોચાલય. પણ મોરબીના શૌચાલયની સ્થિતિ એવી છે કે શૌચાલયોમાં જતા પહેલા વિચારવું પડે એમ છે. કારણ કે, બંધ હાલતમાં રહેલા આ શૌચાલયોને ઘણા સમયથી અલીગઢી તાળા લટકતા હોય આ શૌચાલય ક્યારે ખુલશે એ નક્કી જ નથી. લાખોના ખર્ચે નિર્માણ થયેલા આ શૌચાલય નથી બારી કે નથી બારણા તેમજ લાઈટો નથી. ઉપરથી ગંદકી ભેટમાં મળી છે. શોચાલયમાં સાફ સફાઈની કોઈ કામગીરી થતી નથી. ઉપરાંત શહેરના હજારો લોકો જ્યાં જાય છે તે શાક માર્કેટમાં વર્ષોથી શૌચાલય બંધ હાલતમાં છે અને ગંદકીથી ખદબદે છે. આ શૌચાલયમાં બાવા જામી ગયા છે અને ઘુળ તેમજ કચરાના ગંજ ખડકી દેવાયા છે. ત્યાંથી અંદર મહિલાઓ માટે હબ ગણાતા મેઈન શાક માર્કેટમાં મહિલાઓનું શૌચાલય જ નથી. એકમાત્ર શોચાલય જે લાખોના ખર્ચે બનાવાયું હતું તે શોચાલય પણ હાલ સફાઈના નામે શૂન્ય હોય ઠેરઠેર ગંદકી છે. આદર જવું પણ ન ગમે તે હદે શૌચાલયોમાં ગંદકી જામી છે.
શહેરમાં અન્ય જગ્યાએ આવેલા શૌચાલય બંધ હાલતમાં હોય આસપાસના અમુક લોકો શોચાલયનો છાણા થાપવા માટે ઉપયોગ કરે છે.એટલે શોચાલયની બહાર છાણા થાપેલાં જોવા મળે છે. શોચાલયની દીવાલોમાં મહિલાઓ છાણા થાપે છે. સુકાય જાય ત્યારે ઉખેડી લે છે. ફરી બીજા છાણા થાપે છે. શૌચાલયનો શૌચ અને યુરિનલ સિવાય બીજો ઉપયોગ થતો છતાં તંત્ર જાણી જોઈને આંખ મીચામણા કરે છે.
શોચાલયોમાં ભૂંડ અને કૂતરાઓનો ભારે જમેલો રહે છે. ભૂંડની તો ડિલેવરી પણ આ શોચાલયમાં થાય છે. ભૂંડ એકસાથે આઠ બચ્ચાનો જન્મ આપે છે અને અમુક લોકો શિરો પણ ખવડાવે છે. નગરપાલિકાના શોચાલયમાં માણસને બદલે હવે કૂતરા અને કુતરીઓ જાય છે. કૂતરા બહાર નીકળતા હોય એવી તસ્વીર પણ દિવ્ય ભાસ્કરના કેમેરામાં ક્લિક થઈ ગઈ છે. ગાયો પણ શોચાલય પાસે રખડતી હોય કે બેઠી હોય છે. આવી જ દશા રહી તો મોરબી કઈ રીતે મેટ્રોસિટી કહેવાશે ?
શહેરમાં આઠ જેટલા જાહેર શોચાલય છે અને આ શોચાલય વર્ષોથી બંધ છે. જો કે અમુક તત્વોએ આ શોચાલયનો કબજો પણ કરી લીધો હોય એવું લાગે છે. હવે શોચાલયની ભયાનક સ્થિતિ છે કે અમૂકે કબજો કર્યો હોય ત્યાં ઘોડાના તબેલા બનાવી દીધા છે અને ઘોડા બહાર બાંધી દીધા છે.
શોચાલયોમાં એટલો કચરો ભર્યો છે કે ઉકરડા પણ નાના લાગે. આ શૌચાલયની હાલત ઉકરડા કરતા પણ બદતર હાલત છે. દરેક શોચાલયોમાં કચરાના ગંજ છે. જો કે શોચાલયની સાફ સફાઈ કરવામાં તંત્ર ઉણું ઉતર્યું છે અને શોચાલય બંધ છે તેને ચાલુ કરવામાં પાલિકા તંત્રની ખુલ્લામ ખુલ્લી બેદરકારી છે. પણ શૌચાલયની હાલત બદતર થઈ એમાં અમુક સ્થાનિકોનો પણ હાથ છે.