થાનગઢ: ગુજરાતી સાહિત્ય જગતના મૂર્ધન્ય હસ્તી, હાસ્ય સમ્રાટ અને શિક્ષણવિદ્ પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડને આજે થાનગઢ ખાતે મોરબી ન્યૂમિસમેટિક ક્લબના ઉપક્રમે 'કોમ્યુનિટી કોન્ટ્રીબ્યુશન એવોર્ડ' એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. શિક્ષણ અને સાહિત્ય ક્ષેત્રે તેમણે આપેલા દીર્ઘકાલીન અને નોંધપાત્ર યોગદાનની કદર રૂપે આ સન્માન કરાયું હતું.
આ સન્માન વિધિ પ્રસંગે મોરબી ન્યૂમિસમેટિક ક્લબના અગ્રણી સદસ્યો વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા. જેમાં એડવોકેટ મિતેશભાઈ દવે, એડવોકેટ દર્શનભાઈ દવે, પરમ જોલાપરા, દેવિક જગોદરા તેમજ થાનગઢના સ્થાનિક એડવોકેટ કિશોરભાઈ કે. પરમાર દ્વારા પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ સન્માન સમારોહ બાદ પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડે મોરબી ન્યૂમિસમેટિક ક્લબની સમગ્ર ટીમ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમણે ક્લબની આગવી પ્રવૃત્તિઓનો પરિચય મેળવી ભારે રાજીપો વ્યક્ત કર્યો હતો. સાથોસાથ, ક્લબ ભવિષ્યમાં પણ આવી જ લોકઉપયોગી અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સાથે આગળ વધતી રહે અને ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.
આ સન્માન કાર્યક્રમથી મોરબી ન્યૂમિસમેટિક ક્લબના હોદ્દેદારો અને સદસ્યોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.