મોરબી : મોરબી સામાકાંઠા વિસ્તારમાં આવેલી સરકારી મહેન્દ્રસિંહ આયુર્વેદીક દવાખાના દરવાજા પાસે ગટરો છેલ્લા એકાદ વર્ષથી ઉભરાય છે છતાં ત્યાંના સ્થાનીક નેતા અને જવાબદાર અધિકારીઓ દ્વારા સફાઈ કરાવવામાં આવી નથી. ત્યારે આ દરમ્યાન આમ આદમી પાર્ટી અને મોરબી જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ દ્વારા તંત્ર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે.
આમ આદમી પાર્ટી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, છેલ્લા એકાદ વર્ષથી ગટર ઉભરાય છે છતાં ત્યાંના સ્થાનીક નેતા અને જવાબદાર અધિકારીઓ સફાઈ કરવામાં નીષ્ફળ કેમ છે ? દર્દીને જવા માટે ગટર વાળા રસ્તા પર જવું પડે છે એ હાલાકીનો સામનો કરવો પડે છે. આ હોસ્પિટલમાં જીલ્લા ક્ષય કેન્દ્ર છે ત્યાં લોકોને ક્ષય કેન્દ્રમાં જવા માટે ફરજીયાત ઉભરાતી ગટરના પાણીમાં જવું પડે છે. આ બાબતે આમ આદમી પાર્ટીના મોરબી જિલ્લા મહામંત્રી પંકજભાઈ આદ્રોજાએ તંત્ર પર આકરા પ્રહારો કર્યા છે કે, તંત્ર દ્વારા આ આંખ આડા કાન કરી વહીવટદાર સામે કાર્યવાહી કરતાં નથી. આ હોસ્પિટલ માંદગી દુર કરવાની જગ્યાએ માંદગીનું ઘર કરે છે એવો કટાક્ષ તંત્ર પર કર્યો છે. સાથે-સાથે પંકજભાઈ આદ્રોજા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ તંત્ર જો આ સફાઈ નહીં કરવે અને હોસ્પિટલમાં જવાનો રસ્તામાં ગટરોના પાણી હશે તો ઉગ્ર આંદોલન કરશે અને હોસ્પિટલને તાળાં બંધી કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે. હાલ કેનાલ સર્કલથી લઈ ત્રાજપર ચોકડી સુધી ઉભરાતી ગટરોને લઈને સ્થાનિકો દ્વારા અનેક વખત રજુઆત કરવામાં આવી છે. તેમ છતાં કોઈ ઉકેલ આવતો નથી. તેમજ જીલ્લા ક્ષય કેન્દ્ર મોરબીની બહાર પાણી ઉભરાવાની કારણે ગંદકી વધે છે. અત્યાર સુધી ચીફ ઓફિસરો દ્વારા બહાના જ આપવામાં આવ્યા છે. ત્યારે કેટલાક સમયથી આ સમસ્યાનો નિકાલ કરવામાં આવ્યો નથી ત્યારે જો 5 દિવસમાં આ સમસ્યાનો નિકાલ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં જનતાને સાથે રાખી ધરણા કરવા ચીમકી ઉચ્ચારવામા આવી છે.