બાળકો સાથે વાર્તાલાપ કરી રહેઠાણ, સલામતી, દૈનિક પ્રવૃત્તિઓ અને સંસ્થાની વ્યવસ્થાઓની વિગતો મેળવી જરૂરી સૂચના આપી
મોરબી : મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ કનકેશ્વરી દેવી ચિલ્ડ્રન હોમ બોયઝ-શિશુ ગૃહની વિઝીટ કરી સંસ્થાની વિવિધ વ્યવસ્થાઓની પ્રત્યક્ષ ચકાસણી કરી હતી. આ દરમિયાન તેમણે આશ્રિત બાળકો સાથે સોહાર્દપૂર્ણ વાર્તાલાપ કરી તેમના રહેઠાણ, સલામતી અને દૈનિક પ્રવૃત્તિઓ અંગે સીધા પ્રતિભાવો મેળવ્યા હતા. બાળકોને સંસ્થામાં મળતી સુવિધાઓ અને તેમના રોજિંદા જીવન સાથે સંકળાયેલી બાબતો અંગે પણ માહિતી મેળવી સ્ટાફને જરૂરી સૂચના આપી હતી.
વિઝીટ દરમિયાન બાળકોના નિયમિત તબીબી તપાસની વિગતો તથા આરોગ્ય સંબંધિત ફાઈલોની ચકાસણી કરવામાં આવી હતી. સંસ્થામાં પ્રાથમિક સારવારની સુવિધા અને તબીબી સેવાઓ ઉપલબ્ધ છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી હતી. બાળકોના શાળાકીય અભ્યાસ, હાજરી અને શૈક્ષણિક પ્રગતિ અંગે સમીક્ષા કરી શૈક્ષણિક સાહિત્ય તથા જરૂરી માર્ગદર્શન મળતું હોવા અંગે સ્ટાફ પાસેથી વિગતો મેળવવામાં આવી હતી.
બાળકોને આપવામાં આવતા ભોજનની ગુણવત્તા અને મેનૂની પણ ચકાસણી કરવામાં આવી હતી. સાથે જ સંસ્થાના મકાનની સ્થિતિ, રૂમોની સ્વચ્છતા, હવા-ઉજાસ, પીવાના સ્વચ્છ પાણીની વ્યવસ્થા તેમજ શૌચાલય અને સ્નાનાગાર જેવી ભૌતિક સુવિધાઓનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરાયું હતું.
આ ઉપરાંત સંસ્થાના પ્રવેશ રજિસ્ટર, દૈનિક હાજરી પત્રક અને વાર્ષિક હિસાબી રજિસ્ટરની તપાસ કરવામાં આવી હતી. પોર્ટલ પર સંસ્થાને લગતો ડેટા તથા આશ્રિત બાળકોની વિગતો નિયમિત રીતે અપડેટ કરવામાં આવે છે કે નહીં તેની પણ ચકાસણી કરવામાં આવી હતી.