રાષ્ટ્રીય ટુર્નામેન્ટ માટે પશ્ચિમ ઝોન અંડર-૧૭ ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવ્યું
મોરબી : મોરબીની ક્રિકેટ પ્રતિભા બંસી મારુ અને સાક્ષી બંસલે અંડર-૧૭ ક્રિકેટમાં જ્વલંત સિદ્ધિ મેળવી રાષ્ટ્રીય ટુર્નામેન્ટ માટે પશ્ચિમ ઝોનની ટીમમાં સ્થાન મેળવ્યું છે. બંસી મારુ દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલની વિદ્યાર્થીની છે, જ્યારે સાક્ષી બંસલ નાલંદા વિદ્યાલયમાં અભ્યાસ કરે છે. મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં યોજાયેલા પશ્ચિમ ઝોન સીબીએસઈ અંડર-૧૭ ક્રિકેટ ટ્રાયલ્સમાં બંનેએ સતત ત્રણ કઠિન તબક્કા સફળતાપૂર્વક પાર કરીને ટીમમાં સ્થાન મેળવ્યું હતું. હવે બંને ખેલાડીઓ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં પશ્ચિમ ઝોનનું પ્રતિનિધિત્વ કરીને મોરબી અને ગુજરાતનું નામ રાષ્ટ્રીય ક્રિકેટના મંચ પર લઈ જશે.
મોરબીની બંને દીકરીઓ છેલ્લા એક વર્ષથી મોરબીની ધ રોર ક્રિકેટ ક્લબ ખાતે તાલીમ લઈને ફાસ્ટ બોલિંગમાં પોતાની અસરકારકતા સાથે બેટિંગમાં પણ ઉપયોગી પ્રદર્શન કરવાની ક્ષમતા હાંસલ કરી છે. આ બંને ખેલાડીઓએ ભોપાલના ટ્રાયલ્સ દરમિયાન પોતાની રમતથી પસંદગીકારોને પ્રભાવિત કર્યા હતા. ક્રિકેટના બંને મુખ્ય પાસામાં સતત મહેનત કરી રહેલી બંસી અને સાક્ષીએ ટ્રાયલ્સના ત્રણેય તબક્કામાં પોતાની પ્રતિભા સાબિત કરી પશ્ચિમ ઝોનની ટીમમાં સ્થાન નિશ્ચિત કર્યું છે.
ધ રોર ક્રિકેટ ક્લબના ડિરેક્ટર ડૉ. અલી ખાનના જણાવ્યા મુજબ, સતત બીજા વર્ષે મોરબીની દીકરીઓએ પશ્ચિમ ઝોનની ટીમમાં સ્થાન મેળવ્યું છે. ગયા વર્ષે સૌમ્યા પાલે આ સિદ્ધિ મેળવી હતી, જ્યારે આ વર્ષે બંસી મારુ અને સાક્ષી બંસલે પોતાની મહેનત, શિસ્ત અને ક્રિકેટ પ્રત્યેના જુસ્સાથી આ સ્થાન મેળવ્યું છે.
સીબીએસઈ રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટ આગામી 16થી 24 ઓક્ટોબર દરમિયાન તમિલનાડુના મદુરાઈ શહેરમાં યોજાશે. આ ટુર્નામેન્ટમાં બંસી મારુ અને સાક્ષી બંસલ પશ્ચિમ ઝોનની ટીમ તરફથી રાષ્ટ્રીય કક્ષાએ રમશે. રમતગમત પ્રમુખ રાજનારાયણ દ્વિવેદીએ બંસી મારુ અને સાક્ષી બંસલની આ જ્વલંત સિદ્ધિને બિરદાવી હતી.