Friday - May 01, 2026

મોરબીમાં વરસાદમાં ધોવાયેલા માર્ગનું નવીનીકરણ કરવાની મુખ્યમંત્રીને રજુઆત

મોરબીમાં વરસાદમાં ધોવાયેલા માર્ગનું નવીનીકરણ કરવાની મુખ્યમંત્રીને રજુઆત

મોરબી : મોરબીમાં જન્માષ્ટમીના તહેવારોમાં ભારે વરસાદ પડતા મુખ્યમાર્ગોનું ધોવાણ થઈ ગયું હતુ. ઘણા રસ્તાઓ પર ફૂટ ફૂટ કરતા પણ વધુ મોટા અનેક ગાબડા પડી જતા માર્ગો વાહન ચલાવવા તો ઠીક પગે ચાલીને નીકળવા યોગ્ય રહ્યા નથી. માર્ગો એટલી હદે ખખડધજ થઈ ગયા છે કે, વાહન સ્પીડે ચાલે તો અકસ્માત થવાની ભીતિ છે. આથી આ માર્ગોનું નવીનીકરણ કરવા મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી છે.

મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઇ વી દવે, જગદીશભાઈ બાંભણીયા અને દેવેશભાઈ રાણેવાડિયા દ્વારા ચીફ ઓફિસર, મુખ્યમંત્રી, કલેક્ટર અને મોરબી-માળીયા મત વિસ્તારના ધારાસભ્યને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે કે, મોરબી શહેરના અનેક રસ્તાઓ ભંગાર થઈ ગયા છે. ખાસ તો જે રસ્તા ઉપર હજારો વાહનો ચાલતા હોય તે રસ્તાની ખરાબ દશા છે.આ ખખડધજ રોડમાં સ્ટેશન રોડ, જડેશ્વર રોડ, ચિત્રકૂટ રોડ અને કબ્રસ્તાન વાળો રોડ તેમજ દરબારગઢથી ગ્રીન ચોક, ગ્રીનચોકથી નહેરુ ગેટ તથા નહેરુ ગેટથી જુના બસ સ્ટેશન અને જૂના બસસ્ટેન્ડથી જડેશ્વર રોડ સંપૂર્ણ નાશ પામ્યો છે. આ રોડથી શહેરીજનો અને વેપારીઓ ત્રસ્ત થઈ ગયા છે. અને દુકાનમાં પણ પાણી ઉડે એવી કાપચીઓ નાખવામાં આવી છે. આ અંગે અગાઉ અરજી કરવામાં આવી હતી પરંતુ કોઈ ઉકેલ આવ્યો નથી. હવે દિવાળીનો તહેવાર પણ આવશે.તેથી આ  તમામ રસ્તાઓ નવા બનાવવા વેપારીઓ તથા આમ જનતાની માગ છે.