ટંકારા શાક માર્કેટમાં ગાંજો વેચવાના પ્રકરણમાં વધુ એકની ધરપકડ કરવામાં આવી છે. આ શખ્સ થડા સુધી ગાંજો લાવી આપતો હતો. પોલીસે તેને પકડી પાડી કોર્ટમાં રજુ કરતા ત્રણ દિવસના રિમાન્ડ મંજુર થયા છે.
મોરબી એસઓજી ટીમને બાતમી મળેલ કે ટંકારાની મેમણ શેરીમાં રહેતા હુસેન ઉર્ફે શબલો સલીમભાઈ સોલંકી ટંકારામાં જૂની ગ્રામ પંચાયત સંચાલિત શાક માર્કેટમાં થળા નં.૧૮ ઉપર ફ્રુટના વેચાણની સાથે ગાંજાનું પણ ખાનગીમાં વેચાણ કરે છે. જે બાતમીને આધારે એસઓજી ટીમે શાક માર્કેટમાં કોર્ડન કરી અંગ ઝડતી લેતા ખિસ્સામાંથી તેમજ થળા નં.૧૮ માં તલાસી લેતા અલગ અલગ પ્લાસ્ટિકની કુલ ૧૭ નંગ કોથળીમાંથી ૧૧૬ ગ્રામ ગાંજો પકડી લેવામાં આવ્યો હતો. આ સાથે આરોપી હુસેન ઉર્ફે શબલાની સ્થળ ઉપરથી અટક કરવામાં આવી હતી.
જે બાદ પકડાયેલ આરોપી હુસેન ઉર્ફે શબલો સોલંકીને ગાંજા બાબતે વધુ સઘન પૂછતાછ કરતા આરોપી ગાંજાનો જથ્થો રાજકોટથી લઈ આવ્યો હોવાનું અને અન્ય જથ્થો પોતાના રહેણાંક મકાનમાં રાખ્યો હોવાનું જણાવતા તુરંત આરોપીના ટંકારા મેમણ શેરી સ્થિત રહેણાંક મકાને રેઇડ કરી હતી જ્યાંથી એક બેગમાં રાખેલ વધુ ૧ કિલો ૩૧૯ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો જે અંગે ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી ટંકારા પોલીસે તપાસ હાથ ધરી હોય આ ગાંજો ટંકારા અશાબાપિરની દરગાહ પાસે રહેતો નિઝામ ઈબ્રાહિમ આમરોણીયા લાવી આપ્યાની આરોપી એ કેફિયત આપતા ફરાર નિઝામને ટંકારા પોલીસે ઝડપી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
ટંકારા પોલીસે નિઝામ આ ધંધો કેટલા સમયથી કરે છે કોણ કોણ એની પાસેથી માલ લે છે અને એ કયાથી માલ લાવી વેચે છે આ ગુનામાં વધુ કેટલા લોકો સંકળાયેલા છે સહિતના મુદે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.