વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં બનેલા બનાવની ફરિયાદ નોંધાઈ
વાંકાનેર : વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં ચાર દિવસ પહેલા રિસામણે આવેલી બેનના સમાધાન માટે સાસરિયાઓ સાથે વાતચીત કરવા ગયેલા યુવાનને બહેનના સાસુએ ઝઘડો કરી યુવકના હાથમાં બટકું ભરી લઈ વેવાઈએ જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે ફરિયાદ નોંધાઇ છે.
વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા મહંમદશરીફ હનીફભાઈ પાયક ઉ.વ.39 નામના યુવાને આરોપી એવા વેવાઈ સલીમભાઈ લાલોડિયા અને તેમના પત્ની સઇદાબેન વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેમના કાકાની દીકરી હાલ રિસામણે હોય સમાજના આગેવાન અને મિત્રો સાથે સલીમભાઈના ઘેર સમાધાન માટે ગયા હતા ત્યારે તા.17ના રોજ સઇદાબેન અને તેમના પતિએ ઝઘડો કર્યો હતો. જેમાં સઈદાબેને ફરિયાદીને બટકું ભરી લીધું હતું અને સલીમભાઈએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.