Thursday - Apr 23, 2026

ગોઝારી ઝૂલતાપૂલ દુર્ઘટનામાં ઓરેવા ગ્રુપના મેનેજર સહિતના બે આરોપીના જામીન મંજુર

ગોઝારી ઝૂલતાપૂલ દુર્ઘટનામાં ઓરેવા ગ્રુપના મેનેજર સહિતના બે આરોપીના જામીન મંજુર

 મોરબીની અંત્યત કરુણ ગોઝારી ઝૂલતાપૂલ દુર્ઘટનામાં ઘણા સમયથી જેલવાસ ભોગવતા ઓરેવા ગ્રુપના મેનેજર દિપક પારેખ સહિત બે આરોપીઓના જામીન આજે ગુજરાત હાઈકોર્ટે મંજૂર કર્યા છે.

135 હતભાગીઓનો ભોગ લેનાર ઐતિહાસિક ઝૂલતાપૂલ તૂટી પડવાની કરુણ દુર્ઘટનામાં પોલીસે જે તે સમયે ગુનો નોંધી આરોપીઓ ત્રણ સિક્યુરીટી ગાર્ડ અલ્પેશ ગલાભાઈ ગોહિલ, દિલીપ ગલાભાઈ ગોહિલ અને મુકેશ દલસિંગ ચૌહાણ તેમજ ક્લાર્ક મનસુખભાઈ વાલજીભાઈ ટોપિયા અને માદેવભાઈ લાખાભાઈ સોલંકી, મેનેજર દીપક પારેખ, દિનેશભાઈ દવે તેમજ બ્રીજ રીપેરીંગ કોન્ટ્રાકટર પ્રકાશ લાલજીભાઈ પરમાર અને દેવાંગ પ્રકાશભાઈ પરમાર એમ નવ આરોપીને ઝડપી લીધા હતા. જ્યારે મુખ્ય આરોપી જયસુખ પટેલ અગાઉ કોર્ટ સમક્ષ સરન્ડર થતા તેમની ધરપકડ કરીને જેલમાં ધકેલી દીધા હતા.

ઝૂલતાપૂલ દુર્ઘટનામાં ઝડપાયેલા 10 માંથી 6 આરોપીઓ અગાઉ જામીન મુક્ત થયા છે.ત્યારે આજે ઓરેવા ગ્રુપના મેનેજર દીપકભાઈ પારેખ અને કોન્ટ્રાકટર પ્રકાશભાઈ પરમારે હાઈકોર્ટમાં કરેલી જામીન અરજીની સુનાવણીમાં હાઈકોર્ટે આ બંને આરોપીના જામીન મંજુર કર્યા છે. પણ મુખ્ય આરોપી ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલ અને દેવાંગ પરમાર હજુ જેલમાં છે. એટલે કુલ ૧૦ પૈકી આઠ આરોપીને જામીન મળી ચુક્યા છે