મોરબી:- મોરબીના ખાખરાળા ગામે યુવાનની હત્યા કરનાર આરોપી છેલ્લા સાત દિવસથી ફરાર હતો, પોલીસે અમદાવાદ બસ સ્ટેન્ડ માંથી તેને પકડી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના ખાખરાળા ગામે કિશન કરોતરા નામના 22 વર્ષના રબારી યુવાનની ગત તારીખ 30 ના રોજ રાત્રિના સમયે હત્યા થઈ હતી, મુળુભાઈ ઉર્ફે સાગર આયદાનભાઈ ડાંગર ઉંમર વર્ષ 33 નામના શખ્સે મૃતક યુવાન સામે પહેલા બંદૂક ટાંકી બંદુક વડે ફાયર કરતા બંદૂકથી ફાયર ન થવાથી તેની પાસે રહેલ ધારદાર છરી વડે છાતીના ભાગે છરીના ઘા મારી યુવાનને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી, જેના કારણે કિશન કરોતરા નામના યુવાનનું મોત થતા તાલુકા પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી.
આરોપીની તાત્કાલિક ધરપકડ થાય અને કડક કાર્યવાહી કરવાની માંગ સાથે વડવાળા યુવા સંગઠનના નેજા હેઠળ રબારી સમાજ દ્વારા મૌન રેલી યોજી ડીવાયએસપીને આવેદન પણ આપવામાં આવ્યું હતું. પોલીસે અલગ અલગ ટીમો બનાવી સઘન તપાસ હાથ ધરી હતી, જેના સંદર્ભે આરોપી મુળુભાઈ ઉર્ફે સાગર આયદાનભાઈ ડાંગર અમદાવાદમાં ગીતામંદિર બસ સ્ટેશન પાસે આવવાનું હોવાનું પોલીસને જાણવા મળતા પોલીસે વોચ ગોઠવી તેને પકડી મોરબી લાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે, આ કામગીરીમાં પીઆઈ એસ. કે.ચારેલ પીએસઆઈ આસિસ્ટન્ટ એસ. એન. સગારકા તથા સર્વેલેન્સ ટીમ જોડાઈ હતી.