મોરબી : મોરબીના લિવ ઇન રિલેશનશિપમાં રહેતી મહિલાને તેના પાર્ટનર સાથે માથાકૂટ થતા તે આપઘાત કરવા નીકળી હતી. સદનસીબે કોઈએ આ અંગે સમયસર 181 અભયમ ટીમને જાણ કરી દેતા પીડિતાનો જીવ બચી ગયો હતો.
181 મહિલા હેલ્પલાઇન ટીમના કાઉન્સિલર બીનાબેન ગોહિલ, પોલીસ કોન્સ્ટેબલ ખ્યાતિ બેન, પાયલોટ જીગરભાઈ પીડિતા બહેનની મદદ માટે રવાના થયા હતા. જેમાં સ્થળ પર પહોંચતા નિરીક્ષણ કરતા જાણવા મળ્યું કે, પીડિતા બહેનના હાથમાં ચેકાના ઘા છે જેમાં બહેનને હાથમાં ઇજા થઈ છે. આ દરમ્યાન પીડિતાએ 181ની ટીમને જણાવ્યું કે તે આત્મહત્યા કરવા માગે છે. ટ્રક નીચે આવીને દેહનો ત્યાગ કરવા માગે છે. એમ કહી પીડિતાએ દોટ મૂકી ત્યારે ટીમ પીડિતાની પાછળ ગઈ અને તેને આશ્વાસન આપ્યું હતું. પીડિતા પાસેથી જાણવા મળ્યું હતું કે, તે 14 વર્ષથી લીવ ઈન રિલેશનશિપમાં રહે છે. જેમાં તેના પાર્ટનર સાથે બોલાચાલી થતાં તે આત્મહત્યા કરવા ઈચ્છતી હતી. ત્યારબાદ આ પીડિતાને સમજાવીને આત્મહત્યા કરતાં રોકી હતી અને મોરબી સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય માટે મોકલી હતી.