Wednesday - Apr 22, 2026

મોરબીમાં સાયબર ઠગોનો આતંક: RTO ચલણની લિંક મોકલી દંપતીના ખાતામાંથી રૂ. 3 લાખ સાફ કર્યા,

મોરબીમાં સાયબર ઠગોનો આતંક: RTO ચલણની લિંક મોકલી દંપતીના ખાતામાંથી રૂ. 3 લાખ સાફ કર્યા,

​મોરબી,:​મોરબી શહેરમાં સાયબર અપરાધીઓ સક્રિય થયા હોય તેમ ફરી એકવાર છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે. શહેરના પંચાસર રોડ પર આવેલી ધર્મસિદ્ધિ સોસાયટીમાં રહેતા એક દંપતીને સાયબર ગઠિયાઓએ પોતાનો શિકાર બનાવ્યું છે. સાયબર ઠગોએ દંપતીના મોબાઈલ ફોનમાં RTO ચલણ ભરવાની નકલી એપ્લિકેશન ફાઈલ (APK) મોકલી હતી.

​પ્રાપ્ત વિગતો અનુસાર, પંચાસર રોડ પર સ્થિત ધર્મસિદ્ધિ સોસાયટીના રહીશ લાલજીભાઈ બાબુભાઈ સીણોજીયાના મોબાઈલ પર કેનરા બેંક અને એરટેલ પેમેન્ટ બેંકના એકાઉન્ટ ધારકે RTO ચલણની લિંક મોકલી હતી. લાલજીભાઈએ આ લિંક પર ક્લિક કરીને એપ્લિકેશન ડાઉનલોડ કરતા જ સાયબર ગઠિયાઓએ તેમના એકાઉન્ટની માહિતી મેળવી લીધી હતી.
​ત્યારબાદ, સાયબર ઠગોએ લાલજીભાઈના એચ્યુ સ્મોલ બેંકના એકાઉન્ટમાંથી રૂ. 2.95 લાખ અને તેમના પત્નીના એકાઉન્ટમાંથી રૂ. 5 હજાર મળી કુલ રૂ. 3 લાખ દંપતીની જાણ બહાર ઉપાડી લીધા હતા. દંપતીને આ છેતરપિંડીની જાણ થતા તેમણે તરત જ સીટી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

​પોલીસે આ બનાવ અંગે બે અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ છેતરપિંડીનો ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા લોકોને અજાણી લિંક પર ક્લિક ન કરવા અને મોબાઈલમાં કોઈ પણ અજાણી એપ્લિકેશન ડાઉનલોડ ન કરવા માટે અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને RTO ચલણ કે અન્ય સરકારી સેવાઓના નામે આવતી લિંક અંગે સાવચેત રહેવું ખૂબ જ જરૂરી છે.