Wednesday - Apr 22, 2026

માળિયા (મી): હળવદ રોડ પરની હોટેલમાં નાસ્તો કરવા ગયેલા યુવાનની રૂ. લેતી-દેતીના ઝઘડામાં ચાર અજાણ્યા શખ્સો દ્વારા નિર્મમ હત્યા.

માળિયા (મી): હળવદ રોડ પરની હોટેલમાં નાસ્તો કરવા ગયેલા યુવાનની રૂ. લેતી-દેતીના ઝઘડામાં ચાર અજાણ્યા શખ્સો દ્વારા નિર્મમ હત્યા.

તપાસનો રેલો મોરબીની ફાઇનાન્સ પેઢી સુધી પહોંચી શકે.

​માળિયા (મી): માળિયા (મી) તાલુકાના હળવદ રોડ ઉપર આવેલ અણિયારા ટોલનાકા પાસે ધૈર્ય હોટેલમાં એક યુવાન અને તેના મિત્ર પર નાસ્તો કરવા ગયા હતા ત્યારે ચાર અજાણ્યા શખ્સોએ નાણાકીય લેવડદેવડના મુદ્દે તેમની પર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં મોરબીના મહેન્દ્રનગર નજીક પ્રભુકૃપા ટાઉનશીપમાં રહેતા મૂળ જેતપરના ૨૮ વર્ષીય અનિલ હરિલાલ કંડિયા નામના યુવાનને પેટના ભાગે છરીના ઘા વાગતા સારવાર દરમિયાન રાજકોટમાં મોત નીપજ્યું હતું, જેને પગલે ગુનો હત્યામાં પલટાયો છે. આ બનાવમાં અનિલને બચાવવા વચ્ચે પડેલા તેના ૨૭ વર્ષીય મિત્ર વિવેક વેલજીભાઈ અધારાને પણ ઇજાઓ પહોંચતા તેને મોરબીની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો છે.

​બનાવની વિગતો અનુસાર, યુવાન અનિલ તેના મિત્ર સાથે ધૈર્ય હોટેલમાં નાસ્તો કરવા માટે બેઠા હતા ત્યારે અજાણ્યા ચાર શખ્સો ત્યાં આવ્યા હતા અને રૂપિયાની લેતી-દેતી બાબતે તેની સાથે બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો. આ માથાકૂટ બાદ ઉશ્કેરાયેલા શખ્સોએ તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો, જેમાં અનિલ પર છરીથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત અનિલને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યારબાદ રાજકોટ સિવિલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે.

​મૃતક અનિલ અગાઉ જેતપરમાં કરિયાણાની દુકાન ચલાવતા હતા અને છેલ્લા કેટલાક વર્ષોથી તેની માતા રંજનબેન સાથે મોરબીમાં પ્રભુકૃપા ટાઉનશીપ ખાતે રહેતા હતા. ઉલ્લેખનીય છે કે, પાંચ વર્ષ પહેલા તેના પિતાએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી હતી. હાલના તબક્કે મળતી માહિતી અનુસાર, નાણાકીય લેણદેણના મુદ્દે હત્યા કરવામાં આવી હોવાની શક્યતા છે અને પોલીસને શંકા છે કે તપાસનો તાર મોરબી સ્થિત કોઈ ફાઇનાન્સ પેઢી સુધી પહોંચી શકે છે. માળિયા પોલીસે આ સમગ્ર હત્યાના બનાવ અંગે ફરિયાદ નોંધવાની અને તપાસ હાથ ધરવાની પ્રક્રિયા શરૂ કરી છે.