મતદાર યાદી, ચૂંટણી અને વસ્તી ગણતરી બાદ ફરી ફ્લડ ડ્યૂટી સોંપાતા શિક્ષકોમાં અસંતોષ થયાની રજૂઆત બાદ આદેશમાં ફેરફાર કરાયો
મોરબી : સરકારી પ્રાથમિક શાળાઓના શિક્ષકોને છેલ્લા ઘણા સમયથી શિક્ષણકાર્ય ઉપરાંત વિવિધ સરકારી કામગીરી સોંપવામાં આવતી રહી છે. મતદાર યાદીની સઘન સુધારણા, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને તાજેતરમાં વસ્તી ગણતરીની કામગીરી પૂર્ણ કર્યા બાદ ટંકારા તાલુકાના શિક્ષકોને ફરી ફ્લડ કંટ્રોલની ફરજ સોંપવામાં આવી હતી. જેના કારણે શિક્ષકો પાસે વિદ્યાર્થીઓના શિક્ષણ માટે પૂરતો સમય ન રહેતો હોવાની રજૂઆત કરવામાં આવી હતી.
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે રજૂઆતમાં જણાવ્યું હતું કે દર વર્ષે ચોમાસા દરમિયાન શિક્ષકોને ફ્લડ કંટ્રોલની કામગીરી સોંપવામાં આવે છે. પરિણામે વર્ગખંડમાં શિક્ષણકાર્ય પ્રભાવિત થાય છે અને વિદ્યાર્થીઓના અભ્યાસ પર તેની સીધી અસર પડે છે. વર્ષોથી ચાલતા આ પ્રશ્નનો કાયમી ઉકેલ લાવવાની માંગ પણ કરવામાં આવી હતી.
આ મુદ્દે ટંકારા-પડધરી વિસ્તારના ધારાસભ્ય તેમજ મોરબી જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતને પગલે શિક્ષકોને ફ્લડ કંટ્રોલની કામગીરીમાંથી મુક્તિ આપવાનો નિર્ણય લેવાયો હોવાનું શૈક્ષિક મહાસંઘે જણાવ્યું છે.
શૈક્ષિક મહાસંઘના જણાવ્યા મુજબ આ નિર્ણયથી હવે શિક્ષકો શાળાના શિક્ષણકાર્યમાં વધુ સમય ફાળવી શકશે અને વિદ્યાર્થીઓના અભ્યાસને અસર થતી અટકશે. સાથે જ ભવિષ્યમાં પણ શિક્ષણ સિવાયની કામગીરી શિક્ષકોને સોંપતી વખતે શૈક્ષણિક હિતને પ્રાથમિકતા આપવામાં આવે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.