Sunday - Jul 12, 2026

મોનોપોઝને બીમારી નહીં પણ જીવનના સ્વાભાવિક તબક્કો સમજી આરોગ્યની કાળજી સાથે આગળ વધવું

મોનોપોઝને બીમારી નહીં પણ જીવનના સ્વાભાવિક તબક્કો સમજી આરોગ્યની કાળજી સાથે આગળ વધવું

મોરબીમાં મોનોપોઝ પર ખુલ્લી ચર્ચા, 250થી વધુ મહિલાઓએ નિષ્ણાત પાસેથી મેળવ્યું માર્ગદર્શન

મહિલાઓના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને કેન્દ્રમાં રાખી યોજાયેલા પરિસંવાદમાં નિષ્ણાતે ઋતુનિવૃત્તિ અંગેની મૂંઝવણો દૂર કરી; પ્રશ્નોત્તરીમાં બહેનોએ સંકોચ છોડ્યો

મોરબી : મહિલાઓના જીવનમાં 40થી 50 વર્ષની ઉંમર દરમિયાન આવતો મેનોપોઝ (ઋતુનિવૃત્તિ)નો તબક્કો અનેક શારીરિક અને માનસિક ફેરફારો સાથે જોડાયેલો હોય છે. યોગ્ય માહિતીના અભાવે ઘણી મહિલાઓ આ સમયગાળામાં મૂંઝવણ અને તકલીફનો સામનો કરતી હોય છે. તેથી મહિલાઓની આ ગંભીર મુંઝવણ દૂર કરવા માટે મોરબીના  નિર્શિવ ફાઉન્ડેશન દ્વારા જી.આઈ.ડી.સી., શનાળા રોડ સ્થિત સંસ્કારધામ હોલ ખાતે 'સ્વસ્થ મેનોપોઝ, સુખી સ્ત્રી : ડૉ. હેમાબેન પટેલ સાથે વિશેષ ચર્ચા' વિષયક પરિસંવાદ યોજાયો હતો. તેમાં હાજર રહેલી 250 જેટલી મહિલાઓને નિષ્ણાતે મેનોપોઝને બીમારી નહીં પણ જીવનના સ્વાભાવિક તબક્કો સમજી આરોગ્યની કાળજી સાથે આગળ વધવા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.


મોનોપોઝ વિષય પરના સેમિનારની શરૂઆતમાં ફાઉન્ડેશનના કો-ફાઉન્ડર આરતી રોહન તથા રોહનભાઈ રાંકજાએ મુખ્ય વક્તા અને જાણીતા સ્ત્રીરોગ નિષ્ણાત ડૉ. હેમાબેન પટેલનું પ્રકૃતિના પ્રતીક સમાન છોડ અર્પણ કરીને ઉમળકાભેર સ્વાગત કર્યું હતું.આ પરિસંવાદ દરમિયાન ડૉ. હેમાબેન પટેલે મોનોપોઝ દરમિયાન થતા હોર્મોનલ બદલાવ, હોટ ફ્લેશ, ઊંઘમાં ખલેલ, ચીડિયાપણું, તણાવ, ચિંતા અને અન્ય માનસિક-શારીરિક પડકારો અંગે સરળ ભાષામાં વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ આ તબક્કામાં મહિલાઓએ સંતુલિત આહાર, નિયમિત કસરત, સકારાત્મક જીવનશૈલી અને સમયસર તબીબી સલાહનું મહત્વ સમજાવ્યું હતું.

પરિસંવાદનું સૌથી નોંધપાત્ર પાસું ઓપન પ્રશ્નોત્તરી સત્ર રહ્યું હતું. ઉપસ્થિત મહિલાઓએ કોઈપણ પ્રકારના સંકોચ વિના પોતાના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને લગતા પ્રશ્નો પૂછ્યા હતા. ડૉ. હેમાબેન પટેલે તમામ પ્રશ્નોના વૈજ્ઞાનિક, સરળ અને વ્યવહારુ જવાબો આપી મહિલાઓની મૂંઝવણ દૂર કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા ફાઉન્ડેશનની ટીમના અદિતિ વિરમગામા, ભક્તિ મારવાણીયા, ભૂમિ દેત્રોજા, બંસી વિડજા, શ્રુતિ રાંકજા અને મીરા યશ પટેલે નોંધપાત્ર કામગીરી સંભાળી હતી. મોટી સંખ્યામાં મહિલાઓની ઉપસ્થિતિને ધ્યાનમાં રાખીને આગામી સમયમાં પણ મહિલા ઉત્કર્ષ અને આરોગ્યલક્ષી જાગૃતિ માટે આવા પરિસંવાદો યોજવાની જાહેરાત કરવામાં આવી હતી.

પરિસંવાદની પાંચ ખાસ વિશેષતા

▶️ 250થી વધુ મહિલાઓની ઉત્સાહભરી ઉપસ્થિતિ, મોરબી શહેર ઉપરાંત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં મહિલાઓ જોડાતાં કાર્યક્રમ જાગૃતિના મંચમાં પરિવર્તિત થયો.

▶️ સંકોચ તોડી ખુલ્લી પ્રશ્નોત્તરી કરી મહિલાઓએ મોનોપોઝ, હોર્મોનલ ફેરફાર, માનસિક તણાવ, ઊંઘની સમસ્યા સહિતના અંગત પ્રશ્નો મોકળામને પૂછ્યા અને નિષ્ણાત પાસેથી માર્ગદર્શન મેળવ્યું.

▶️ સરળ ભાષામાં તબીબી સમજણ ડૉ. હેમાબેન પટેલે મેનોપોઝને બીમારી નહીં પરંતુ જીવનના સ્વાભાવિક તબક્કા તરીકે સમજાવી, યોગ્ય આહાર, કસરત અને હકારાત્મક જીવનશૈલીનું મહત્વ સમજાવ્યું.

▶️ પ્રકૃતિના પ્રતીકરૂપે સન્માન કાર્યક્રમની શરૂઆત પરંપરાગત શાલ-શ્રીફળને બદલે છોડ અર્પણ કરીને કરવામાં આવી, જે પર્યાવરણ પ્રત્યેનો સકારાત્મક સંદેશ પણ બની રહ્યો.

▶️ આગામી સમયમાં વધુ જાગૃતિ કાર્યક્રમોની જાહેરાત મહિલાઓના ઉત્સાહજનક પ્રતિસાદને પગલે ભવિષ્યમાં પણ આરોગ્ય અને મહિલા ઉત્કર્ષને કેન્દ્રમાં રાખી આવા પરિસંવાદો સતત યોજવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો.

મોનોપોઝને લઈને ડૉ. હેમાબેન પટેલે આપી મહત્વની ટિપ્સ

▶️ મોનોપોઝ બીમારી નહીં, જીવનનો સ્વાભાવિક પડાવ છે – ડર કે ગેરસમજ રાખવાને બદલે તેને સહજ રીતે સ્વીકારી યોગ્ય કાળજી રાખવી.

▶️ 40 વર્ષની ઉંમર બાદ આરોગ્ય તપાસ નિયમિત કરાવવી – હોર્મોનલ ફેરફારો સાથે હાડકાં, બ્લડ પ્રેશર, શુગર સહિતની નિયમિત ચકાસણી કરાવવી જરૂરી.

▶️ ખોરાકમાં કૅલ્શિયમ, પ્રોટીન અને પોષક તત્ત્વોનો વધારો કરવો – હાડકાં મજબૂત રહે અને શરીરમાં ઊર્જા જળવાઈ રહે તે માટે સંતુલિત આહાર અનિવાર્ય.

▶️ દરરોજ કસરત, યોગ અને ચાલવાની આદત વિકસાવવી – નિયમિત શારીરિક પ્રવૃત્તિથી હોટ ફ્લેશ, તણાવ, ઊંઘની સમસ્યા અને થાકમાં રાહત મળી શકે છે.

▶️ મૂંઝવણ છુપાવવાને બદલે તબીબી સલાહ લેવી – મોનોપોઝ દરમિયાન થતી કોઈપણ શારીરિક કે માનસિક સમસ્યાને સામાન્ય માની અવગણવી નહીં, જરૂર પડે ત્યારે નિષ્ણાત તબીબનો સંપર્ક કરવો.

▶️ માનસિક સ્વાસ્થ્યને પણ એટલું જ મહત્વ આપવું – પરિવારનો સહયોગ, હકારાત્મક વિચારસરણી અને તણાવમુક્ત જીવનશૈલી આ તબક્કાને સરળ બનાવી શકે છે.

મોનોપોઝને બીમારી નહીં પણ જીવનના સ્વાભાવિક તબક્કો સમજી આરોગ્યની કાળજી સાથે આગળ વધવું
મોનોપોઝને બીમારી નહીં પણ જીવનના સ્વાભાવિક તબક્કો સમજી આરોગ્યની કાળજી સાથે આગળ વધવું
મોનોપોઝને બીમારી નહીં પણ જીવનના સ્વાભાવિક તબક્કો સમજી આરોગ્યની કાળજી સાથે આગળ વધવું
મોનોપોઝને બીમારી નહીં પણ જીવનના સ્વાભાવિક તબક્કો સમજી આરોગ્યની કાળજી સાથે આગળ વધવું