પરિપત્ર ખેડૂતોના હિતમાં ન હોવાનો આક્ષેપ; ચાર ગણા વળતર અને સુધારેલા નિયમોની માંગ સાથે ગામેગામથી ખેડૂતો જોડાશે
મોરબી : વીજ ટ્રાન્સમિશન લાઈન માટે જમીન સંપાદન અને વળતર અંગે રાજ્ય સરકારે જાહેર કરેલા નવા પરિપત્ર સામે ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. આ પરિપત્ર ખેડૂતોના હિતમાં ન હોવાનું અને તેમાં વળતરની જોગવાઈ અપૂરતી હોવાનો આક્ષેપ સાથે મોરબીમાં મંગળવારે વિશાળ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લાના વિવિધ ગામો સહિત અન્ય વિસ્તારોના ખેડૂતો મોટી સંખ્યામાં આ પદયાત્રામાં જોડાશે તેવી તૈયારી ચાલી રહી છે.
ખેડૂત આગેવાનોના જણાવ્યા મુજબ સરકારે જાહેર કરેલા પરિપત્રથી ખેડૂતોને પૂરતો ન્યાય મળતો નથી. અન્ય રાજ્યોમાં વીજ ટ્રાન્સમિશન લાઈન માટે ખેડૂતોને વધુ વળતર આપવામાં આવે છે, ત્યારે ગુજરાતમાં પણ બજારભાવના ચાર ગણા વળતરની જોગવાઈ કરવાની માંગ સાથે આંદોલનનો આગામી ત્રીજો તબક્કો શરૂ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ નવા પરિપત્રના વિરોધમાં પદયાત્રા દ્વારા સરકાર સુધી ખેડૂતોનો અવાજ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે આ મુદ્દે મોરબી તાલુકાના જેતપર ગામે છેલ્લા એક મહિનાથી ખેડૂતોનું જોરદાર આંદોલન ચાલી રહ્યું હતું. રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાનું વતન એવા આ ગામમાં વીજ કંપની દ્વારા ખેડૂતોના ખેતરોમાં પૂરતું વળતર ચૂકવ્યા વગર હેવી વીજલાઈનના પોલ ઉભા કરવાના પ્રયાસો સામે ખેડૂતો એકજૂટ બન્યા હતા. આ આંદોલન બાદ સરકારે મીડિયા મારફતે જમીનના બજારભાવ કરતાં બમણું વળતર આપવાની જાહેરાત કરી હતી અને ત્યારબાદ પરિપત્ર જાહેર કર્યો હતો.
જોકે, ખેડૂતોનો આક્ષેપ છે કે જાહેર કરાયેલો પરિપત્ર તેમની અપેક્ષા મુજબનો નથી. તેથી પારણા કર્યા બાદ હવે ફરીથી ગામેગામ બેઠકો યોજી ખેડૂતોને સંગઠિત કરવામાં આવી રહ્યા છે. મોરબીમાં યોજાનારી પદયાત્રાને આ નવી લડતની શરૂઆત માનવામાં આવી રહી છે અને ખેડૂતો સરકાર સમક્ષ પરિપત્રમાં સુધારો તેમજ અન્ય રાજ્યોની જેમ ચાર ગણા વળતરની મુખ્ય માંગ સાથે આગળ વધશે.