પશુઓને પૂરતી સુવિધા નહીં મળતી હોવાના આક્ષેપ, સફાઈથી લઈને ચારા અને પાણીની વ્યવસ્થા સામે ગંભીર સવાલ ઉઠાવ્યા
મોરબી : મોરબી મહાનગરપાલિકા સંચાલિત નંદીઘરમાં પશુઓની જાળવણી અને સુવિધાઓ અંગે ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. નંદીઘરમાં ગંદકી, અપૂરતી સફાઈ, ચારા અને પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થાના અભાવ સહિતની ફરિયાદો ઉઠતા કોર્પોરેટર ભૂપતભાઈ જારિયાએ સ્થળ પર પહોંચી વાસ્તવિક સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. મુલાકાત દરમિયાન અનેક મુદ્દાઓ સામે આવતા તંત્રની કામગીરી અંગે સવાલો ઊભા થયા હોવાનું જણાવાયું છે.
સ્થાનિકોની ફરિયાદ મુજબ મનપા સંચાલિત નંદીઘરમાં પશુઓ માટે પૂરતી અને નિયમિત સુવિધાઓ ઉપલબ્ધ હોવાના દાવા કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિક સ્થિતિ તેના વિપરીત હોવાનું આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. પશુઓને સ્વચ્છ વાતાવરણ, પૂરતો ચારો અને પીવાનું પાણી જેવી મૂળભૂત સુવિધાઓ સમયસર મળી રહી છે કે નહીં તે મુદ્દે પણ પ્રશ્નો ઉઠ્યા છે.
કોર્પોરેટર ભૂપતભાઈ જારિયાએ નિરીક્ષણ દરમિયાન સંબંધિત અધિકારીઓનું ધ્યાન દોરી ખામીઓ દૂર કરવા જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે નિરાધાર પશુઓની સંભાળ માટે બનાવવામાં આવેલી વ્યવસ્થામાં જો બેદરકારી રહેશે તો તેનો સીધો ભોગ મૂક પ્રાણીઓને બનવું પડશે. તેથી માત્ર કાગળ પર નહીં, પરંતુ સ્થળ પર પણ અસરકારક કામગીરી થાય અને નંદીઘરની નિયમિત દેખરેખ રાખવામાં આવે તેવી જરૂરિયાત વ્યક્ત કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે નંદીઘરની કામગીરી અંગે ઉઠેલા આક્ષેપોની નિષ્પક્ષ તપાસ કરી જો ખામીઓ હોય તો જવાબદારો સામે કાર્યવાહી કરવાની તેમજ પશુઓને જરૂરી તમામ સુવિધા તાત્કાલિક ઉપલબ્ધ કરાવવાની માંગ પણ ઉઠી રહી છે.