Saturday - Jul 11, 2026

મોરબીમાં કલા મહાકુંભ-2026-27નો શંખનાદ : દરેક વ્યજુથના કલાકારોને પર્ફોર્મન્સ રજૂ કરવાનું મળશે મંચ

મોરબીમાં કલા મહાકુંભ-2026-27નો શંખનાદ :  દરેક વ્યજુથના કલાકારોને પર્ફોર્મન્સ રજૂ કરવાનું મળશે મંચ

સાહિત્ય, સંગીત, નૃત્ય, ચિત્રકલા, વાદન અને અભિનય સહિત અનેક સ્પર્ધાઓ યોજાશે; તાલુકાથી રાજ્યકક્ષા સુધી પ્રતિભાને ઉજાગર કરવાની તક

મોરબી : રાજ્યના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત કલા મહાકુંભ-2026-27 અંતર્ગત મોરબી જિલ્લામાં પણ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીના સંકલનમાં યોજાનારી આ સ્પર્ધાઓમાં 6 વર્ષથી લઈને 60 વર્ષથી વધુ ઉંમરના કલાકારોને પોતાની પ્રતિભા રજૂ કરવાની તક મળશે. તાલુકાકક્ષાથી શરૂ થતી સ્પર્ધાઓમાં સફળતા મેળવનાર સ્પર્ધકોને જિલ્લાકક્ષા, પ્રદેશકક્ષા અને અંતે રાજ્યકક્ષા સુધી પહોંચવાની તક મળશે.

સ્પર્ધકોને ઉંમર મુજબ ચાર વિભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે. જેમાં 6થી 14 વર્ષ, 15થી 20 વર્ષ, 21થી 59 વર્ષ અને 60 વર્ષથી વધુ વયજૂથનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેથી દરેક વયના કલાકારો પોતાની પ્રતિભા રજૂ કરી શકે. કલા મહાકુંભમાં સાહિત્ય, સંગીત, નૃત્ય, ચિત્રકલા, વાદન અને અભિનય સહિત વિવિધ વિભાગોની સ્પર્ધાઓ યોજાશે. સાહિત્ય વિભાગમાં વકતૃત્વ, નિબંધ, કાવ્યલેખન, ગઝલ-શાયરી, લોકવાર્તા તેમજ દુહા-છંદ-ચોપાઈ જેવી સ્પર્ધાઓ રાખવામાં આવી છે. કલા વિભાગમાં ચિત્રકલા અને સર્જનાત્મક કારીગરી, જ્યારે નૃત્ય વિભાગમાં લોકનૃત્ય, રાસ-ગરબા ઉપરાંત ભરતનાટ્યમ, કથ્થક, કુચિપુડી, ઓડીસી અને મોહિનીઅટ્ટમ જેવી શાસ્ત્રીય નૃત્ય શૈલીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉપરાંત ગાયન વિભાગમાં શાસ્ત્રીય કંઠ્ય સંગીત, સુગમ સંગીત, લગ્નગીત, સમૂહગીત, લોકગીત અને ભજન, જ્યારે વાદન વિભાગમાં હાર્મોનિયમ, તબલા, ઓર્ગન, સ્કૂલ બેન્ડ, વાંસળી, સિતાર, ગિટાર, સરોદ, સારંગી, પખવાજ, વાયોલિન, મૃદંગમ, રાવણહથ્થો અને જોડીયા પાવા જેવી સ્પર્ધાઓ યોજાશે. અભિનય વિભાગમાં એકપાત્રીય અભિનય અને ભવાઈનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીએ જણાવ્યું છે કે સ્પર્ધાઓ તાલુકા, જિલ્લા, પ્રદેશ અને રાજ્યકક્ષા એમ ચાર તબક્કામાં યોજાશે. નિયમ મુજબ દરેક સ્પર્ધક માત્ર એક જ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.