એક ટ્રક સંપૂર્ણ બળી ખાખ, ફાયરની ટીમે આગ ઉપર કાબુ મેળવી લેતા સતત ધમધમતા હાઇવે પર વાહન વ્યહવાર પુર્વવર્ત
મોરબી : મોરબી-માળિયા હાઇવે પર માળિયા (મીયાણા) તાલુકાના વીરવિદરકા ગામ નજીક રવિવારે વહેલી સવારે બે ટ્રક વચ્ચે થયેલા ગંભીર અકસ્માત બાદ ભીષણ આગ ફાટી નીકળતાં એક ટ્રક ચાલક તેના ટ્રકની કેબિનમાં ફસાય ગયો હતો. આથી આગની લપેટમાં આવી જતા આ ટ્રક ચાલકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માતની તીવ્રતા એટલી હતી કે ટક્કર બાદ બંને વાહનોમાં આગ ભભૂકી ઊઠી હતી અને જોતજોતામાં જ્વાળાઓએ સમગ્ર ટ્રકને લપેટમાં લઈ લીધો હતો.
ગમખ્વાર અકસ્માતના બનાવની જાણ થતાં માળિયા પોલીસ, ફાયર બ્રિગેડ અને 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. જોકે, એક ટ્રક ચાલક કેબિનની અંદર જ ફસાય ગયો હતો આથી આગની લપેટમાં આવી ગયેલા આ ટ્રકના ચાલકને બચાવી શકાયો નહોતો. આગ બુઝાયા બાદ કેબિનમાંથી તેનો સળગેલો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. મૃતકની ઓળખ કચ્છ જિલ્લાના રહેવાસી રાહુલ આહિર તરીકે થઈ છે. અકસ્માતને પગલે હાઇવે પર લાંબા સમય સુધી વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. પોલીસે ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત ટ્રકોને રસ્તા પરથી હટાવી ટ્રાફિક પૂર્વવત કર્યો હતો. જો કે બીજા એક વ્યક્તિને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. પ્રાથમિક તપાસ મુજબ અકસ્માત બાદ ટ્રકોમાં આગ લાગવાથી જાનહાનિ થઈ હોવાનું સામે આવ્યું છે. જોકે, અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.