મોરબી:– શિક્ષણનો પ્રકાશ ફેલાવતા અને મૂલ્યોનું વાવેતર કરતા શિક્ષકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે દર વર્ષે ઉજવાતા શિક્ષક દિવસને અનુલક્ષીને મોરબી જિલ્લાના બગથળા ગામે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી,
વિદ્યાર્થીઓએ શિક્ષકની ભૂમિકા નિભાવવાનો અનુભવ કર્યો. પ્રિન્સિપાલ પદ માટે કુલ ૪ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓના નામો નોંધાયા હતા. સાથે સાથે લોકશાહી પદ્ધતિને અનુસરતાં ઉત્સાહભેર ચૂંટણી યોજાઈ. આ ચૂંટણીના પરિણામે હળવદિયા પ્રકાશને પ્રિન્સિપાલ તરીકે પસંદ કરવામાં આવ્યા, જ્યારે સુમરા સાહિલને વાઈસ પ્રિન્સિપાલ તરીકે નિમણૂંક મળી હતી,
શાળાના દરેક વર્ગમાં વિદ્યાર્થીઓ શિક્ષક બની પોતાના મિત્રો સુધી જ્ઞાન પહોંચાડતા જોવા મળ્યા હતા, આ અનુભવથી વિદ્યાર્થીઓમાં નેતૃત્વ, સંકલન અને સંવાદ કૌશલ્યોનો વિકાસ થતો હોય છે.
આ કાર્યક્રમ દરમિયાન કુલ ૧૮ ઉત્સાહી વિદ્યાર્થીઓએ ભાગ લીધો. જેમાં પોતાના વિચારો રજૂ કર્યા હતા, શિક્ષકો પ્રત્યે આદર વ્યક્ત કરતાં વિદ્યાર્થીઓએ પ્રેરણાદાયક મંતવ્યો રજૂ કર્યા હતા, જેને સાંભળીને સમગ્ર શાળા ગર્વની અનુભૂતિ થઈ હતી,
આજના શિક્ષક દિવસના કાર્યક્રમ અંતર્ગત શાળા પ્રાંગણમાં સૌના ચહેરા પર આનંદ છવાઈ ગયો હતો, જ્યારે ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામો આપી તેમની મહેનત અને હિંમતને વધાવવામાં આવી હતી, શિક્ષકોએ પણ વિદ્યાર્થીઓને જીવનમાં સંસ્કાર, શિસ્ત અને જ્ઞાનના મહત્વ પર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું,
અંતે કાર્યક્રમને અવિસ્મરણીય બનાવવા ગ્રૂપ ફોટો લઇ અને સાથે મળી અલ્પાહાર લઈ બધા છુટા પડ્યા હતા,આ આયોજન દ્વારા શિક્ષક-વિદ્યાર્થી વચ્ચેનો સ્નેહ અને સન્માનનો સંબંધ વધુ મજબૂત બન્યો અને શિક્ષક દિવસની ઉજવણી એક સ્મરણીય દિન બની ગયો હતો,