Saturday - Jun 27, 2026

મોરબીમાં લાંચ કેસમાં તલાટી મંત્રીને 4 વર્ષની કેદની સજા

મોરબીમાં લાંચ કેસમાં તલાટી મંત્રીને 4 વર્ષની કેદની સજા

વર્ષ 2011માં ટાઇટલ ક્લીયર હક્કપત્રક અને ખેડૂતના દાખલા માટે લાંચ લેવા બદલ તલાટી એસીબીના હાથે ઝડપાયા હતા
મોરબીમાં વર્ષ 2011માં એક વ્યક્તિ પાસેથી ખેડૂત ખાતેદારનું પ્રમાણપત્ર અને ટાઇટલ ક્લીયર હક્કપત્રક માટે તલાટી મંત્રીએ  50 હજાર રૂપિયાની લાંચ માંગ્યા બાદ જો 50 હજારની લાંચ નહિ આપે તો દસ્તાવેજ તકલીફ પડી જશે કહીને લાંચ માંગનાર તલાટી કમ મંત્રીને મોરબીની સ્પેશિયલ એસીબી કોર્ટે 4 વર્ષની કેદ અને 20 હજારનો દંડ ફટકાર્યો હતો.

મોરબીના સામાકાંઠે હાઉસિંગ બોર્ડમાં રહેતા એક અરજદારે વર્ષ 2011માં નવા સાદુળકા ગામે આવેલ જમીન વેચાણ કરવા માટે હક્કપત્રક ટાઇટલ ક્લીયર નોંધ આપવા તેમજ હળવદ ખાતે જમીન ખરીદવા માટે ખેડૂત ખાતેદાર હોવાનું પ્રમાણપત્ર લેવા માટે સાદુળકા ગામના તલાટી કમ મંત્રી પીતાંબરભાઈ પ્રભુભાઈ બાપોદરિયાનો સંપર્ક કર્યો હતો. પણ આ તલાટીએ પોતાને હોન્ડા લેવું હોવાનું કહીને ટાઇટલ કિલિયર કરવા માટે તેમની પાસેથી રૂ. 50 હજારની લાંચ માંગી હતી. આથી જે તે વખતે લાંચ ન આપવી પડે તે માટે જાગૃત નાગરિક તરીકે ફરજ બજાવી આ અરજદારએ  એસીબીને જાણ કરતા એસીબીએ છટકું ગોઠવી આરોપી પીતાંબરભાઈને લાંચના છટકામાં ઝડપી લીધા હતા. આ અંગેનો કેસ મોરબીની સ્પેશિયલ એસીબી કોર્ટમાં ચાલી જતા કોર્ટે 7 મૌખિક, 42 દસ્તાવેજી પુરાવા ઉપરાંત સરકારી વકીલ વિજયભાઈ જાની તેમજ મદદનીશ સરકારી વકીલ સંજયભાઈ દવેની ધારદાર દલીલો ધ્યાને લઇ આરોપી તલાટી કમ મંત્રી પીતાંબરભાઈ પ્રભુભાઈ બાપોદરિયાને ચાર વર્ષની કેદ અને રુપિયા 20 હજારનો દંડ ફટકાર્યો હતો.