Saturday - May 16, 2026

મોરબીમાં બાંધકામ સ્થળો પર પ્રદૂષણ ફેલાવવા બદલ આકરી કાર્યવાહી

મોરબીમાં બાંધકામ સ્થળો પર પ્રદૂષણ ફેલાવવા બદલ આકરી કાર્યવાહી

મનપાની ટાઉન પ્લાનિંગ શાખાએ 133 બાંધકામ સાઇટમાંથી 55 સાઇટોનું ચેકિંગ કરી રૂ.15,800નો દંડ ફટકાર્યો

મોરબી : મોરબી મહાપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા રાજ્ય સરકારના નિર્દેશો હેઠળ શહેરમાં ચાલતી બાંધકામ પ્રવૃત્તિઓ પર પ્રદૂષણ નિયંત્રણને લઈને વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં મોરબી શહેરમાં નોંધાયેલી કુલ 133 બાંધકામ સાઈટોમાંથી 55 સાઈટોની મુલાકાત લેવામાં આવી હતી. આ ચકાસણી દરમિયાન, પ્રદૂષણ નિયંત્રણના નિયમોનું ઉલ્લંઘન કરનારી સાઈટો પાસેથી મોરબી મહાનગરપાલિકા દ્વારા કુલ અંદાજે 18,800 જેટલી દંડ રકમ વસૂલ કરવામાં આવી છે.

મોરબીમાં બાંધકામ સ્થળો પર પ્રદૂષણ ફેલાવવા બદલ આકરી કાર્યવાહી

મહાનગરપાલિકાએ તમામ બાંધકામ માલિકો અને કોન્ટ્રાક્ટરોને પ્રદૂષણ નિયંત્રણના નિયમોનું સખત પાલન કરવાની તાકીદ કરી છે. આ નિયમોમાં મુખ્યત્વે બાંધકામ સ્થળે ગ્રીન નેટ/કવર લગાવવું, સિમેન્ટ-રેતી જેવી સામગ્રીને ઢાંકી રાખવી, સાઈટમાંથી નીકળતા વાહનો માટે વ્હીલ વોશિંગની વ્યવસ્થા કરવી, ટ્રકોમાં માલને કવર કરીને લઈ જવો, અને નિયમિતપણે પાણીનો છંટકાવ કરવો વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, કામદારો માટે સેફ્ટી સાધનો (માસ્ક, ગોગલ્સ, હેલ્મેટ) ઉપલબ્ધ કરાવવા અને ધ્વનિ પ્રદૂષણના નિયમોનું પાલન કરવાનું પણ ફરજિયાત છે. મહાપાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે પર્યાવરણનું રક્ષણ અને નાગરિકોના આરોગ્યની સુરક્ષા સર્વોપરી છે. નિયમોનું પાલન ન કરનાર સામે ભવિષ્યમાં પણ કડક કાર્યવાહી અને દંડ વસૂલાત ચાલુ રહેશે.