રાત્રે અધકારને કારણે આજે અકસ્માતમાં ગૌવંશનો ભોગ લેવાયો તો કાલે કોઈ માનવ જિંદગીનો ભોગ લેવાશે તો જવાબદાર કોણ ?
મોરબી : મોરબી નેશનલ હાઈવે પર સ્ટ્રીટ લાઈટો શોભના ગાંઠિયા સમાન હોય એમ લાંબા સમયથી આ સ્ટ્રીટ લાઈટો બંધ હોવાને કારણે રાત્રે અંધારપટ્ટથી વાહન અકસ્માતમાં એક અબોલ પશુનો ભોગ લેવાયો હોવાની ઘટના સામે આવી છે. જાગૃત નાગરિકે હાઇવે ઓથોરિટીના પાપે આ અબોલ પશુનો ભોગ લેવાયોનો આક્ષેપ કરી આજે અંધરપટ્ટને કારણે અકસ્માતમાં ગૌવંશનું મોત થયું હોય કાલે કોઈ માનવ જિંદગીનો ભોગ લેવાશે તો જવાબદાર કોણ તેવો વેધક સવાલ ઉઠાવ્યો હતો.
મોરબીના જાગૃત નાગરિક હર્ષદભાઈ વામજાના જણાવ્યા મુજબ મોરબીથી વાંકાનેર નેશનલ હાઇવે ઉપર એકપણ સ્ટ્રીટ લાઈટ ચાલુ નથી. રાત્રીના અંધકારને કારણે ગતરાત્રે મોરબી નેશનલ હાઇવે ઉપર જાંબુડિયા ગામ નજીક એક ભારે વાહન હડફેટે ગૌવંશ ચડી જતા તેનું કરુણ મોત થયું હતું. આ નેશનલ હાઇવે ઉપર હજારો ભારે વાહનોની 24 કલાક અવરજવરને કારણે હાઇવે વચ્ચે આવી ગયેલા આ ગૌવંશ સ્ટ્રીટ લાઈટ બંધ હોવાને કારણે રાત્રીના અંધકારને કારણે વાહન ચાલકને ન દેખાતા આ વાહન સાથે ટકકર થતા તેનું મોત થયું હતું.તેથી લોકો પર પણ અકસ્માતનું જોખમ વધ્યું છે. આથી રાત્રીના સમયે અંધારપટ્ટને કારણે વાહન ચાલકો અને રાહદારીઓની સલામતી ભગવાન ભરોસે થઈ ગઈ છે. તેમણે ઉમેર્યું હતું કે, અકસ્માતના બનાવ ન બને તે માટે ઘણા સમયથી નેશનલ હાઇવે ઉપર સ્ટ્રીટ લાઈટ ચાલુ કરવાની હાઇવે ઓથોરિટી સમક્ષ માંગ કરવામાં આવી રહી છે. પરંતુ હાઇવે ઓથોરિટીને માત્ર ટોલ ટેક્સ ઉઘરાવવામાં જ રસ હોય અને વાહનચાલકો તેમજ રાહદારીઓની સુરક્ષાની કઈ પડી જ ન હોય હાઇવે પર સુવિધાના નામે મીંડું છે અને.નેશનલ હાઇવે ઉપર સ્ટ્રીટ લાઈટ ચાલુ કરવામાં હાઇવે ઓથોરિટીએ નિભરતાની હદ ઓળગી દીધી હોવાનો આક્ષેપ કર્યો છે. ર અંધારપટ્ટને કારણે વાહન અકસ્માતમાં વધુ કોઈ અમંગળ ઘટના બને એ પહેલાં હાઇવે ઓથોરિટી હાઇવે પર સ્ટ્રીટ લાઈટ ચાલુ કરે તેવી માંગ કરી છે.